NIAના વડોદરામાં ધામા: ISIS સાથે સંપર્કમાં હોવાની શંકાએ યુવતીની પૂછપરછ
અમદાવાદઃ દેશમાં આતંકવાદને નાબુદ કરવા માટે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન વડોદરાની યુવતી આઈએસઆઈએસ સાથે સંપર્કમાં હોવાની શંકાના આધારે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી એનઆઈએની ટીમ ગુજરાત દોડી આવી હતી. તેમજ વડોદરાના ફતેહગંજ વિસ્તારની યુવતીની શંકાના આધારે પૂછપરછ આરંભી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર એનઆઈએની ટીમના સાતેક અધિકારીઓનો કાફલો વડોદરા આવ્યો હતો અને ફતેહગંજ વિસ્તારની પુવતીની પૂછપરછ કરી હતી. ISIS સાથે યુવતીના તાર જોડાયા હોવાની શંકાને આધારે પુછપરછ થઈ રહી છે. ફતેહગંજના શાહીન બંગલામાં 7 જેટલા અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ પાંચ કલાક સુધી તપાસ કરી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પરિવારે ફંડ આપ્યું હતું જેના મામલે તપાસ થઈ હતી. એનઆઈએની ટીમે વડાદરોમાં તપાસ કરતા દેશ વિરોધી પ્રવૃતિ કરારા તત્વોમાં ભય ફેલાયો છે.
એનઆઈએની ટીમ સમગ્ર દેશમાં આતંકવાદી પ્રવૃતિઓની તપાસ કરી રહી છે. તાજેતરમાં જ એનઆઈએની ટીમે તમિલનાડુ સહિતના દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં તપાસ કરી હતી. એનઆઈએની ટીમે ટેરર ફંડીંગ મામલે તપાસ કરી હતી. આ અગાઉ પણ ટેરર ફંડીંગ મામલે જમ્મુ-કાશ્મીર સહિતના રાજ્યોમાં તપાસ કરી હતી. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં અનેક આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ભારતીય જવાનોએ ઠાર માર્યાં છે. આતંકવાદ સામે ભારત જીરો ટોલરન્સથી કામ કરી રહ્યું છે. આતંકવાદ સામેની આ લડાઈમાં ભારત સાથે અમેરિકા અને યુકે સહિતના દેશો જોડાયાં છે.