અમદાવાદઃ શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમન થઈ ગયું છે. ત્યારે બજારમાં લીલા શાકભાજીથી લઈને વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મગફળીની અછતના કારણે તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. જ્યારે ગરમીની શરૂઆતમાં લીંબુના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. હાલ કિલોનો ભાવ 160 બોલાય રહ્યો છે. હવે ગરમી વધશે તેમ સાથે લીંબુના ભાવમાં પણ વધારો થશે.
રાજ્યમાં અમદાવાદ સહિત તમામ શાકભાજી માર્કેટમાં લીંબુના ભાવમાં વધારો થયો છે. ઉનાળાના પ્રારંભે જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય રીતે ઉનાળામાં લીંબુનો વપરાશ વધુ થતો હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં જ લીંબુનો સ્વાદ ખાટો નહીં પણ કડવો બની ચૂક્યો છે. કારણ કે બજારમાં લીંબુની આવક ઓછી થઇ છે જેની સામે માંગમાં વધારો થયો છે. જેને કારણે લીંબુના ભાવ બમણા થઈ ચૂક્યા છે. લીંબુ રૂ.120 પ્રતિ કિલો હોલસેલ ના ભાવે વેચાઈ રહ્યા છે. જ્યારે રિટેલમાં પ્રતિ કિલો રૂ.160 ના વેંચાઈ રહ્યા છે. એક તરફ સિંગતેલના ભાવ પણ વધી રહ્યા છે તો બીજી તરફ લીંબુના ભાવમાં વધારો થતા કિચન બજેટ ખોરવાઈ ગયુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં લીંબુના જથ્થાબંધ ભાવે સદી ફટકારી છે. એક કિલો લીંબુનો ભાવ 100થી 120 રૂપિયા છે. હજુ થોડાં સમય પહેલાં જ લીંબુ 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા. ત્યારે જથ્થાબંધ માર્કેટમાં લીબુંના ભાવે સદી વટાવી જતાં રિટેલ માર્કેટમાં તો કિલોના 150થી વધુ ભાવ ચુકવવો પડી રહ્યો છે. માત્ર લીંબુ જ નહીં પણ લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ગુવારના ભાવમાં પણ વધારો થયો છે. ગુવાર રૂ. 120 થી 130 પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે તો ભીંડો પણ રૂ. 100 થી 110 પ્રતિ કિલો બજારમાં મળી રહ્યો છે આમ તેલ અને શાકભાજીના ભાવમાં વધારો થતો ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ઉલ્લેખનિય છે કે લીંબુના ભાવમાં હજુ વધારો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઉનાળામાં ગરમીથી બચવા માટે લીંબુનો વધારે પડતો ઉપયોગ થાય છે. લોકો લીંબુ શરબત, સોડા વગેરેનો વધારે આગ્રહ રાખતા હોય છે. ઉનાળાની શરૂઆતમાં રોજિંદા ઉપયોગમાં આવતા લીંબુના ભાવમાં વધારો થયો છે. ગત વર્ષે લીંબુના ભાવમાં તેજીના કારણે નવા નવા રેકોર્ડ સર્જયા છે. ત્યારે આવર્ષે ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવ રૂપિયા 100ને વટાવી ગયા છે. ગરમ સુકા પવનોની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ઉંચકાતા લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે.