1. Home
  2. ગુજરાતી
  3. સંસ્કૃતથી વિશ્વમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ બનશેઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
સંસ્કૃતથી વિશ્વમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ બનશેઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

સંસ્કૃતથી વિશ્વમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ બનશેઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

0
Social Share

અમદાવાદઃ શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ના 15 મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્કૃત સાહિત્ય, વેદ-વેદાંગ, વ્યાકરણ, દર્શન, પુરાણ અને અભિનવવિદ્યા વિજ્ઞાન વિષયોના શાસ્ત્રી, આચાર્ય, તત્વાચાર્ય (એમ.ફીલ.) અને વિદ્યાવારિધિ ( પીએચ.ડી.) ની પદવીઓ પ્રદાન કરી હતી.

રાજભવનથી વર્ચ્યુઅલી જોડાયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત ઉદબોધનમાં કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. વ્યક્તિમાં સત્ય, અહિંસા જેવા સામાજિક સુવ્યવસ્થાપ્રદ સદગુણોનો પ્રાદુર્ભાવ થાય એ જ ભારતીય શાસ્ત્રોનું લક્ષ્ય રહ્યું છે. સંસ્કૃત ભાષાને લોકભાષા બનાવીએ. સંસ્કૃત ભાષાના દૈનિક પ્રયોગથી એક વિશેષ પ્રકારની ઊર્જા મળે છે. આ ઊર્જાથી વ્યક્તિત્વમાં તેજસ્વીતા, ક્ષમા, ધૈર્ય અને પવિત્રતાનો સંચાર થાય છે, તથા વેરભાવના અને અભિમાન જેવા અવગુણોથી મુક્તિ મળે છે, જેનાથી સમાજમાં સુખ, શાંતિ અને સામાજિક સમરસતાની સ્થાપના થાય છે. પ્રાચીનકાળથી સંસ્કૃત સાહિત્યને કારણે જ આપણી સંસ્કૃતિ સહિષ્ણુ અને સર્વસમાવેશી છે. આપણે ભારતીયો એટલે જ ક્ષમાશીલ છીએ. ભારતીયોમાં દયા અને કરુણાના ભાવ આ શાસ્ત્રોને કારણે જ સહજ ઉપલબ્ધ છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્કૃત સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યોને સંસ્કૃત ભાષાને લોકભાષા રૂપે પ્રતિસ્થાપિત કરવા પ્રયત્નો કરવાનું આહ્વાન કરતાં કહ્યું હતું કે, સંસ્કૃત શાસ્ત્રોમાં આયુર્વેદમાં વિજ્ઞાન છે. જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્ર વિજ્ઞાન છે. ધ્વનિ વિજ્ઞાન પણ છે, જેના ઉદાહરણો છે. શાસ્ત્રોનીહિત વૈજ્ઞાનિક તથ્યોમાં સંશોધનોને પણ અવકાશ છે પરંતુ આ માટે સંસ્કૃત ભાષાને લોકભાષા બનાવીને સહજ સંસ્કૃત વ્યવહાર અપનાવવો પડશે. જો આમ થશે તો સમગ્ર વિશ્વમાં સંસ્કૃત ભાષા ઝડપથી પ્રચલિત થશે, જેનાથી માત્ર ભારતને જ નહીં સમગ્ર વિશ્વને લાભ થશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વિશ્વને વિદ્વાનો, વિચારકો, ચિંતકો, જ્ઞાનીઓ અને વૈજ્ઞાનિકો આપવામાં ભારતભૂમિ અગ્રેસર રહી છે. સંસ્કૃતથી વિશ્વમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ બનશે અને ‘વસુધૈવ કુટુંબકમ્’ ની વિભાવનાની વાસ્તવિક અનુભૂતિ થશે. તેમણે સંસ્કૃતને લોકભાષા બનાવવાના સાર્થક પ્રયાસો કરવા શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયને અપીલ કરી હતી.

સંસ્કૃત જેવી વૈશ્વિક ધરોહરના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રભાસ પાટણની પુણ્ય ધરતી પર વિદ્યા-જ્ઞાનદાતા ભગવાન શ્રી સોમનાથના ચરણોમાં નરેન્દ્ર મોદીએ આ વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર આ વિશ્વવિદ્યાલયના વિકાસ માટે સતત પ્રવૃત્ત અને પ્રયત્નશીલ છે. શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ નેટ-સ્લેટ જેવી પરીક્ષાઓમાં જ્વલંત સફળતા મેળવી રહ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને સામાજિક સેવાકાર્યોમાં યોગદાન બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ શિક્ષકો પાસેથી શિક્ષાનો પ્રથમ ચતુર્થાંશ ભાગ શીખે છે. પોતાની બુદ્ધિથી દ્વિતીય ચતુર્થાંશ અને મિત્રો પાસેથી તૃતીય ચતુર્થાંશ ભાગનું જ્ઞાન મેળવે છે. અંતિમ ચતુર્થાંશનો કોઈ અંત જ નથી. એ તો જીવનપર્યંત ચાલે છે.

શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, વેરાવળનો 15મો પદવીદાન સમારોહ યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી (બી.એ.)-343, આચાર્ય (એમ.એ.)-191, પી.જી.ડી.સી.એ.-181, શિક્ષાશાસ્ત્રી (બી.એડ.)-43, તત્ત્વાચાર્ય (એમ.ફિલ.)-10 અને વિદ્યાવારિધિ (પીએચ.ડી.)-17 મળીને કુલ 785 ડીગ્રી પ્રમાણપત્રો તેમજ કુલ 18 ગોલ્ડમેડલ અને 4 સિલ્વરમેડલ એમ કુલ મળીને 22 જેટલા પદકો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતાં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code