ભાવનગરઃ ગોહિલવાડમાં છેલ્લા ચાર દિવસથી સુકા પવન ફુંકાવાને કારણે ગરમીમાં વધારો થતો જાય છે. ફાગણ મહિનાના પ્રારંભે – તાપમાનનો પારો 37 ડિગ્રીએ પહોંચી ગયો છે. સાથે જ જિલ્લાના તળાજા સહિતના તાલુકામાં ઉનાળાના આગમન ટાણે જ પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારાની સમસ્યા ઊભી થઈ છે. ઘણાબધા ગામો એવા છે. કે બોર અને કૂવાના પાણી પર આધાર રાખવો પડે છે. ત્યારે તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ ઊઠી છે.
ગોહિલવાડ પંથકમાં ઉનાળાના પ્રારંભે જ તળાજા પંથકનાં મોટાભાગનાં વિસ્તારોમાં પાણી અને ઘાસચારાની તંગી વર્તાઇ રહી છે, ત્યારે હાલના સમયમાં જ તળાજા તાલુકામાં પીવાના પાણી અને ઘાસચારાની સમસ્યા ઊભી થઈ છે. ઉપરાંત ભાવનગર જિલ્લાના ઘણાબધા ગામોમાં ઉનાળુ ખેતી માટે તો ઠીક પીવાના પાણી માટે પણ આગામી સમયમાં મુશ્કેલી ઊભી થશે, તેમજ પાલતુ પશુઓ માટે પણ પાણી અને ઘાસચારાની સમસ્યા વિકટ રૂપ ધારણ કર તે પહેલા ખાસ કરીને કાળઝાળ ઉનાળો પાર કરીને આગામી ચોમાસા સુધીની સ્થિતિનો સર્વે કરીને પીવાનાં પાણી અને પશુ માટે ઘાસચારો પુરા પાડવાનું પુરતુ આયોજન કરવાની જરૂરિયાત છે.
સૂત્રોના કહેવા મુજબ તળાજા તાલુકામાં આ વર્ષે ચોમાસા દરમિયાન સંતોષકારક વરસાદ પડયો હોવા છતા ત્રુટક ત્રુટક અને અનિયમિત વર્ષાને કારણે જળાશયોની સ્થિતિ નબળી રહી છે. ઉપરાંત ભુર્ગભ જમીનનાં તળમાં પણ પાણીની સપાટીમાં ખાસ વધારો થયો નથી જેથી અત્યારથીજ પાણીની અછત વર્તાય છે. ઉપરાંત ચોમાસાનો છેલ્લો તબકકો અત્યંત નબળો રહયો હોવાથી દરેક સીઝનનાં કપાસ, મગફળી, ઘઉં, બાજરો, ઘાસચારા,સહિત તમામ ખેત પાકોને પિયતની ભારે ખેંચ વર્તાય છે. તળાજા તાલુકામાં શેત્રુંજી ડેમને બાદ કરતા આ વિસ્તારનાં મોટાભાગનાં જળાશયો, નાના ડેમો, કુવા તળાવડાઓ, બોરમાં પાણીની ભારે ઘટ વરતાઈ રહી છે.આગામી ચોમાસા પહેલા પાંચથી છ મહિના માટે પાણી અને ઘાસચારાની સમસ્યામાં રાહત માટે અત્યારથી જ માસ્ટર પ્લાન બનાવવાની જરૂરિયાત છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, હજી ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યારથી જ અત્યારે પાલતુ પશુઓના પૌષ્ટિક આહાર માટેના સુકાચારાનો ભાવ મણના રૂપિયા. 250 થી 300 એ પહોંચી ગયા છે, જે ત્રણેક માસ પહેલા રૂપિયા 100 થી 125 નો હતો તેમજ લીલાચારાનો મણનો અંદાજિત ભાવ રૂપિયા 80 થી 100 બોલાય છે, જે અગાઉ 30 થી 40 નો હતો. ઉપરાંત કપાસીયા ખોળ ખાણ દાણનો ભાવ પણ દિવસે દિવસે વધતો જાય છે. જેથી પશુપાલન પર નભતા માલધારીઓ અને તબેલા ધારકોને આર્થિક રીતે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. તળાજા સહિત જિલ્લામાં ખેતીને સમાંતર પશુપાલનની પ્રગતિ થતા વર્તમાન સમયમાં તળાજા તાલુકામાં ગાય ભેંસ જેવા મોટા પશુઓની સંખ્યા અંદાજિત 1,04,000 જેટલી અને ઘેટા બકરાની સંખ્યા સંખ્યા 70, 000 થી વધારે હોવાનો અંદાજ છે, જ્યારે જિલ્લામાં ગાય ભેસની જ સંખ્યા 5,04,000 તેમજ નાના મોટા તમામ દુધાળા પશુઓની અંદાજિત સંખ્યા 7,23,000 થવા જાય છે આ પશુઓના નિભાવ માટે ભારે માત્રામાં આહાર અને પાણીની જરૂરિયાત રહે છે. ત્યારે તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવું જરૂરી છે.