કચ્છના સરહદી ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ અને 3 નાગરિકો ઝડપાયાં
અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમા સાથે જોડાયેલો છે. કચ્છની સરહદનો ક્રિક વિસ્તાર પડકારજનક હોવાથી અહીંથી અવાર-નવાર પાકિતાની ઘુસણકોરીની ઘટના સામે આવે છે. દરમિયાન ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ અને 3 પાકિસ્તાની નાગરિકોને સુરક્ષા જવાનોએ ઝડપી લીધા હતા. આ ત્રણેય શખ્સો પાકિસ્તાની માછીમાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર ક્રિક વિસ્તારમાં બીએસએફના જવાનો પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. દરમિયાન શંકાસ્પદ હાલતમાં એક બોટ મળી હતી. તેમજ તેમાં સવાર 3 શખ્સોની અટકાયત કરી હતી. બીએસએફની તપાસમાં ત્રણેય પાકિસ્તાની માછીમારો હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં દરિયામાં બોટનું એન્જિન બંધ થતા તેઓ ભારતીય સરહદમાં પ્રવેશ્યાં હતા. બીએસએફના જવાનોએ ત્રણેય પાકિસ્તાની માછીમારોની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે.
દેશની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા કચ્છ જિલ્લાના દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી સમયાંતરે પાકિસ્તાની ઘૂસણખોર, માછીમારી બોટ મળવાની ઘટના બનતી રહે છે. આજે ફરી એક વખત સતર્ક BSFના જવાનોએ એક બોટ સાથે પાકિસ્તાની ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે.