ગાંધીનગરમાં ઘટાદાર લીલાછમ 199 વૃક્ષો જડમૂળથી કાપવા સામે વિરોધ છતાં વન વિભાગે આપી મંજુરી
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર એક જમાનામાં હરિયાળું અને લીલુછમ ગણાતું હતું. છેલ્લા દસકાથી વસતી વધારા સાથે શહેરનો વિકાસ થતાં લીલાછમ વૃક્ષો કપાવા લાગ્યા અને વૃક્ષોના જંગલના સ્થાને ક્રોંક્રીટના જંગલ બની ગયા, ગાંધીનગરમાં આડેધડ વૃક્ષો કપાવા સામે પર્યાવરણ પ્રેમીઓ પણ ચિંતિત બન્યા છે. શહેરના સેક્ટર-17માં એમએલએ ક્વાર્ટસના નિર્માણને પગલે 199 જેટલા લીલાછમ વૃક્ષોને કાપી નાંખવાની લીલી ઝંડી રાજ્ય સરકારના વન વિભાગે આપી દીધી છે. જેને પરિણામે કોન્ટ્રાક્ટરે તેના ચાર્જ પેટે રૂપિયા 5.97 લાખ ભરી દીધા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ એક સમયનું એશિયાનું પ્રથમ હરીયાળા નગર તરીકે ઓળખ ધરાવતું પાટનગર ગાંધીનગર હવે ઉજ્જડ બનતું જાય છે. વિકાસનું બુલડોઝર ફરી વળતા વૃક્ષોનું નિકંદન નિકળી રહ્યું છે. નગરના પ્રવેશદ્વાર ઉપર આપનું સ્વાગત છે હરીયાળા નગરમાં તેવા બેનરો જોવા મળી રહ્યા છે. પરંતુ વાસ્તવમાં હરીયાળા નગર તરીકેની ઓળખ ક્યારની ગુમાવી દીધી છે. કેમ કે નગરના આંતરિક અને મુખ્ય માર્ગોને ફોર લેનમાંથી સિક્સ લેન બનાવ્યા. નવા નવા સરકારી બિલ્ડીંગના નિર્માણથી વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે. જોકે વધુ 199 જેટલા લીલાછમ વૃક્ષોને સેક્ટર-17માં નિર્માણ પામનારા ફાઇવ બીએચકે એમએલએ ક્વાર્ટસના કારણે કાપી નાંખવામાં આવશે. લીલાછમ વૃક્ષો કાપવા સામે પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ઉઠ્યો છે. પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૃક્ષો બચાવીને તે રીતે બાંધકામ કરીને વૃક્ષો નહી કાપવાની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે. પરંતુ વૃક્ષોને કાપવાની મંજુરી વન વિભાગ દ્વારા આપી છે.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સેક્ટર-17માં એમએલએ ક્વાર્ટસના નિર્માણને લઇને વૃક્ષો કાપવાની મંજુરી અપાતા વૃક્ષોને કાપવાનો ચાર્જ પણ કોન્ટ્રાકટરે દ્વારા ભરી દેવામાં આવ્યો છે. એમએલએ ક્વાર્ટસ બનાવવાના હોવાથી 199 જેટલા વૃક્ષોને જડમુળથી કાપી નાંખવાના છે.