અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને જુહાપુરામાં ગેરકાયદે બંધાયેલી સાતમાળની બિલ્ડિંગ તોડી પાડી
અમદાવાદઃ શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે મ્યુનિ.કોર્પોરેશને આળસ ખંખેરી છે. કહેવાય છે. કે, મ્યુનિ.ના અધિકારીઓ ગેરકાયદે બિલ્ડિંગો ઊભી થઈ જાય ત્યાં સુધી પગલાં લેવામાં ઉદાસિન રહેતા હોય છે. જો કોઈ નાગરિક દ્વારા ફરિયાદ મળે તો જ પગલાં લેવામાં આવતા હોય છે. દરમિયાન શહેરના જુહાપુરામાં એગ્રીકલ્ચર ઝોનમાં બનાવેલી સાત માળની રેસિડેન્સિયલ બિલ્ડિંગ તોડી પડાઈ છે. AMCની કાર્યવાહી સામે સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના જુહાપુરા વિસ્તારમાં સવેરા હોટલની પાછળ ફતેવાડી કેનાલની નજીક નોન ટીપી વિસ્તાર અને એગ્રીકલ્ચર ઝોનમાં સાત માળનું ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બાંધકામને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સવારે સરખેજ પોલીસના બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગની ટીમે આ ગેરકાયદેસર બાંધકામ તોડવાની શરૂઆત કરી હતી. નોન ટીપી વિસ્તારમાં બનાવેલા ગેરકાયદેસર બાંધકામમાં કેટલાક લોકો તો રહેવા પણ આવી ગયા હતા. પોલીસ દ્વારા આ તમામ લોકોને મકાન ખાલી કરાવી અને કોર્પોરેશનની ટીમે બુલડોઝલથી તોડવાની કામગીરી શરૂ કરી હતી. આ ઉપરાંત જુહાપુરામાં બે માળનું બનેલું ગેરકાયદેસર આખું કોમ્પ્લેક્સ પણ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના જણાવ્યા મુજબ, આજે સવારે જુહાપુરા વિસ્તારમાં ફતેવાડી કેનાલ નજીક જે નોન ટીપી વિસ્તાર છે અને હજી એગ્રીકલ્ચર ઝોન છે ત્યાં સાત માળનું રહેણાંક બિલ્ડીંગ ઊભું કરી દેવામાં આવ્યું હતું. ગેરકાયદેસર રીતે સાત માળનું આ રહેણાંક મકાન ઊભું કરી અને તેમાં કેટલાક લોકો પણ રહેવા આવી ગયા હતા. જેથી એસ્ટેટ વિભાગ દ્વારા તેઓને નોટિસ આપી અને ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. છતાં પણ તેઓએ ખાલી કર્યું નહોતું અને બાંધકામ દૂર ન કરવામાં આવતા આજે એસ્ટેટ વિભાગની ટીમ સવારે પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં પહોંચી હતી અને તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા બિલ્ડિંગના રહેવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા તેઓને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા. ઉપરાંત બે માળનું ગેરકાયદેસર બાંધકામ પણ જુહાપુરા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું તેને પણ તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જુહાપુરા અને આસપાસના વિસ્તારોમાં આવા ગેરકાયદેસર બાંધકામો કેટલાય સમયથી કરી દેવામાં આવ્યા છે. જેને હવે એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.