છત્તીસગઢમાં નક્સલવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણમાં દસ નક્સલી ઠાર મરાયાનો દાવો
નવી દિલ્હીઃ છત્તીસગઢમાં નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણમાં ડીઆરડીના ત્રણ અધિકારીઓ શહીદ થયાં હતા. નક્સલવાદીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે ગોળીબારની ઘટના બની હતી. છત્તીસગઢના જગરગુંડા પોલીસ વિસ્તારમાં આવેલા જંગલમાં પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા જવાનો ઉપર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેથી સુરક્ષાજવનોએ પણ સામે ગોળીબાર કર્યો હતો. સામ-સામે ધાણીફુટ ગોળીબાર થયો હતો. જેમાં એએસઆઈ રામૂરામ નાગ, સહાયક કોન્સ્ટેબલ કુંજમ જોગા અને સૈનિક વંજમ ભીમાનું અવસાન થયું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર છત્તીસગઢના સુકમા જિલ્લાના નક્સગગ્રસ્ત જગરગુંડા અને કુંદેડ વચ્ચે સુરક્ષા જવાનો સર્ચ કરી રહ્યાં હતા. દરમિયાન ઘાત જોઈને બેઠેલા નક્સલવાદીઓએ અચાનક તેમની ઉપર ગોળીબાર કર્યો હતો. જેથી સુરક્ષા જવાનોએ મોરચો સંભાળીને સામે વળતુ ફાયરિંગ કર્યું હતું. નક્સવાદીઓએ કરેલા ગોળીબારમાં ત્રણ જવાનો શહીદ થયાં હતા. જ્યારે બે જવાનો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવની જાણ થતા જ અન્ય જવાનોની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.
સુકમાના એસપી સુનીલ શર્માએ દાવો કર્યો હતો કે, અથડામણમાં નક્સલવાદીઓને પણ ભારે નુકશાન થયું છે. સુરક્ષાદળોએ દાવો કર્યો હતો કે, અથડામણમાં કેટલાક નક્સલવાદીઓના મોત થયાં છે. ધાણીફુટ ગોળીબારમાં આઠથી દસ નક્સલવાદીઓના મોત થયાનો અંદાજ છે. જો કે, હજુ સુરક્ષા જવાનો અને નક્સવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ત્રાસવાદ અને નક્સલવાદને ડામવા માટે અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત અનેક નક્સલવાદીઓ અને ત્રાસવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં છે.