દિલ્હી:ભૂટાને અહીં પર્યટનને આકર્ષવા માટે એક મોટું પગલું ભર્યું છે, જેનો સૌથી વધુ ફાયદો ભારતના પ્રવાસીઓને થશે. ભૂટાનની મુલાકાતે આવતા પ્રવાસીઓ હવે ડ્યુટી ફ્રી સોનું ખરીદી શકશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી ચૂકવનારા પ્રવાસીઓ ભુટાનના ફુટશોલિંગ અને થિમ્પુના શહેરોમાંથી ડ્યુટી ફ્રી સોનું ખરીદી શકશે.
ભૂટાનમાં પર્યટન માટે જનારા સૌથી વધુ લોકો ભારતીયો છે, તે જોતાં ભૂટાન સરકારના આ નિર્ણયથી ભારતીયોને સૌથી વધુ ફાયદો થવાનો છે.ભૂટાનના સત્તાવાર અખબાર અનુસાર, ભૂટાની સરકારે આ નિર્ણય 21 ફેબ્રુઆરી, ભૂટાનના નવા વર્ષ પર લીધો હતો.
અહેવાલમાં જણાવાયું છે કે તમામ SDF ચૂકવનારા પ્રવાસીઓ સોનું ખરીદવા માટે પાત્ર છે જો તેઓ પ્રવાસન વિભાગ દ્વારા પ્રમાણિત હોટેલમાં ઓછામાં ઓછી એક રાત વિતાવે.1 માર્ચથી થિમ્પુ અને ફુંટશોલિંગથી સોનું ખરીદી શકાશે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સોનાનું વેચાણ ડ્યુટી ફ્રી આઉટલેટ્સ દ્વારા કરવામાં આવશે જે સામાન્ય રીતે લક્ઝરી વસ્તુઓનું વેચાણ કરે છે અને ભૂટાનના નાણા મંત્રાલય હેઠળ આવે છે. રિપોર્ટ અનુસાર, પર્યટનને પ્રોત્સાહન આપવા ઉપરાંત, આ આઉટલેટ્સ ડ્યૂટી ફ્રી ગોલ્ડ પર કોઈ નફો નહીં કરે.
26 ફેબ્રુઆરી 2023 ના ભાવો અનુસાર, ભારતમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 58, 390 રૂપિયા છે.જોકે, ભુટાનમાં સમાન રકમના સોનાની કિંમત 40, 286 BTN છે.એક રૂપિયો અને એક BTN ની કિંમત લગભગ સમાન છે જેના કારણે ભારતીયોએ ભૂટાનમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામ માટે લગભગ 40,286 રૂપિયા ચૂકવવા પડશે. જોકે, આનો લાભ લેવા માટે, ભારતીય પ્રવાસીઓએ ટકાઉ વિકાસ ફી તરીકે પ્રતિ દિવસ 1,200 રૂપિયા ચૂકવવા પડશે.પ્રવાસીઓએ ભૂટાનના પર્યટન વિભાગ દ્વારા પ્રમાણિત હોટેલમાં ઓછામાં ઓછી એક રાત રોકાવાનું રહેશે, ત્યારબાદ જ તેઓ આ લાભ મેળવી શકશે.