મોરબીઃ હળવદ નગરપાલિકાની ચૂંટાયેલી બોડીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા વહિવટદારે ચાર્જ સંભાળી લીધો છે. વર્ષ 2018માં હળવદ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં હળવદ શહેરના સાત વોર્ડના 28 સભ્યોમાં 18 ભાજપના અને 10 કોંગ્રેસના સભ્યો ચૂંટાયા હતા. એટલે બહુમતી ભાજપની હોવાથી પાંચ વર્ષ સુધી હળવદ પાલિકામાં ભાજપનું શાસન રહ્યું હતુ.
સૂત્રોના જણાવ્યા મુજબ હળવદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થતાં વહીવટદારે ચાર્જ સંભાળી લીધો છે. આમ તો ચૂંટાયેલા સભ્યોની મુદત પૂર્ણ થાય તે પહેલા જ ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે રાજ્યની અન્ય 74 પાલિકાની ચૂંટણીની સાથે હળવદ પાલિકાની ચૂંટણી પણ કોર્ટ મેટરને કારણે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. એટલે શનિ -રવિની રજા બાદ સોમવારથી હળવદ નગરપાલિકામાં હવે વહીવટીદારનું શાસન આવ્યું છે. જ્યાં સુધી હળવદ નગરપાલિકાની નવેસરથી ચૂંટણી ન થાય ત્યાં સુધી વહીવટીદાર હસ્તક હળવદ નગર પાલિકાનો કાર્યભાર રહેશે. છેલ્લા અઢી વર્ષની ટર્મમાં હળવદ પાલિકા પ્રમુખ તરીકે રમેશભાઈ પટેલ રહ્યા હતા.
હળવદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે, તેમના કાર્યકાળ દરમિયાન હળવદ શહેરમાં અંદાજીત 17 કરોડના વિકાસના કામો કરવામાં આવ્યા હતા. તેની સાથે નલ સે જલ યોજના હેઠળ 22 કરોડની ગ્રાન્ટની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા હળવદ નગરપાલિકાને કરવામાં આવી હતી.સાથે જ આવનાર દિવસોમાં જ્યારે પણ હળવદ નગરપાલિકાની નવેસરથી ચૂંટણી યોજાશે ત્યારે પાલિકામાં ભાજપનો જ વિજય થશે તેવો તેમણે દાવો કર્યો હતો. ઉપરાંત તેમના કાર્યકાળ દરમિયાન પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને લોકોના હિતમાં કામો કર્યા હોવાનું ઉમેરી કોંગ્રેસના વોર્ડમાં પણ વિકાસના કામો કરી શહેરના દરેક વોર્ડમાં ભેદભાવ વગર કામો કર્યા હોવાનું જણાવી પ્રજાજનોનો સહકાર બદલ આભાર માન્યો હતો.