મહેસાણાઃ ખાનગી સ્કૂલ બસમાં લાગી આગ, ડ્રાઈવરની સમયસૂચકતાથી 30 વિદ્યાર્થીઓને બચાવ
અમદાવાદઃ ઉત્તર ગુજરાતના ગોઝારિયા નજીક રોડ ઉપરથી પસાર થતી સ્કૂલ બસમાં આગ લાગત નાસભાગ મચી ગઈ હતી. જો કે, બસના ચાલકે સમય સૂચકતા દાખવીને બસમાં સવાર 30 જેટલા વિદ્યાર્થીઓને બહાર ઉતારી લેવામાં આવ્યાં હતા. જેથી મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. શોર્ટ સરકીટના કારણે સ્કૂલ બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માણસાની જાણીતી સ્કૂલની બસ સવારે વિદ્યાર્થીઓને લઈને ગોઝારિયા નજીકથી સ્કૂલ આવી રહી હતી. દરમિયાન માર્ગમાં અચાનક આગ લાગી હતી. જેથી સમય સુચકતા દાખવીને ચાલકે બસને ઉભા રાખી હતી અને બસમાં સવાર વિદ્યાર્થીઓને તાત્કાલિક નીચે ઉતારી દઈને દૂર લઈ જવાયાં હતા. આ દરમિયાન બીજી બસ આવતા વિદ્યાર્થીઓને તેમાં બેસાડીને સ્કૂલ મોકલવામાં આવ્યાં હતા. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સ્કૂલ બસમાં આગ લાગ્યની જાણ થતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિંતામાં મુકાયાં હતા અને તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કે, બાળકો સલામત હોવાનું માલુમ પડતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
બસમાં આગ લાગવાની ઘટનાને પગલે નાસભાગ મચી ગઈ હતી. આ બનાવને પગલે પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય તેવી વ્યવસ્થા કરી હતી. જાણીતી ખાનગી સ્કૂલના બસમાં શોર્ટ સરકિટથી આગ લાગ્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. જો કે, ફાયરબ્રિગેડની ટીમે બસમાં આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી હતી.