નકલી PSI કૌભાંડ કેસમાં પોલીસે મયુર તડવીના રિમાન્ડ મેળવ્યાં, ચોંકાવનારા ખુલાસાની શકયતા
અમદાવાદઃ બોગસ દસ્તાવેજ ઊભા કરી ગાંધીનગર ખાતેની કરાઈ પોલીસ એકેડમીમાં ટ્રેનિંગ લેવા માટે પહોંચી જનાર નકલી પીએસઆઇ મયુર તડવીના આઠ દિવસના રિમાન્ડ ગાંધીનગર કોર્ટે મંજૂર કર્યા છે. પોલીસે આગવી ઢબે મયુર તડવીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
નકલી દસ્તાવેજોના આધારે મયુર તડવીએ કરાઈ પોલીસ એકેડમીમાં પ્રવેશ મેળવ્યો હતો અને એક મહિનાથી વધારે સમય સુધી ટ્રેનિંગ પણ મેળવી હતી. પરંતુ જ્યારે ફેબ્રુઆરી મહિનાના પગાર બિલ બનાવવાથી વખતે આ સમગ્ર ઘટના ધ્યાને આવી હતી. કરાઈ પોલીસ એકેડમી દ્વારા આ ઘટનાની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામા આવે, તે પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા આ સમગ્ર મામલે ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે ગઈકાલે નકલી પીએસઆઇ મયુર તડવી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. આજે મયુર તડવીને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે ગાંધીનગર કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.