નવી દિલ્હીમાં કવાડ વિદેશ મંત્રીઓની બેઠક,એસ જયશંકર કરશે અધ્યક્ષતા
દિલ્હી:ભારતના નેતૃત્વ હેઠળ ‘ક્વાડ’ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે.આ બેઠકની અધ્યક્ષતા વિદેશ મંત્રી એસ જયશંકર કરશે.અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને જાપાનના વિદેશ મંત્રી હયાશી યોશિમાસા આ બેઠકમાં ભાગ લેશે.
અગાઉ સપ્ટેમ્બર 2022માં ન્યૂયોર્કમાં ‘ક્વાડ’ના વિદેશ મંત્રીઓની બેઠક થઈ હતી.ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે,આજે યોજાનારી બેઠક અગાઉની બેઠકની ચર્ચાઓ ચાલુ રાખવાની તક પૂરી પાડશે.ઉપરાંત, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તાજેતરના વિકાસ અને પરસ્પર હિતના પ્રાદેશિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાન-પ્રદાન કરવામાં આવશે, જે એક ખુલ્લા, મુક્ત અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિઝન પર આધારિત છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં સભ્ય દેશો ક્વાડમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે, તેમના રચનાત્મક એજન્ડાને આગળ વધારશે અને ક્ષેત્રની સમકાલીન પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનની વધતી આક્રમકતાની પૃષ્ઠભૂમિમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની વર્તમાન સ્થિતિ પર બેઠકમાં ચર્ચા થઈ શકે છે.