દિલ્હી:કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે જણાવ્યું હતું કે,ખેડૂતોને ફાયદો થાય અને દેશને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે નેનો લિક્વિડ ડીએપી ખાતર બજારમાં લાવવાની મંજૂરી આપી છે.એક ટ્વીટમાં માંડવિયાએ જણાવ્યું હતું કે, “નેનો યુરિયા બાદ હવે સરકારે નેનો ડીએપીને પણ મંજૂરી આપી દીધી છે.”ખાતરના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં એક પગલું ગણાવતા તેમણે કહ્યું કે,તેનાથી ખેડૂતોને ફાયદો થશે.
ફર્ટિલાઇઝર કોઓપરેટિવ યુનિયન IFFCO, જેણે વર્ષ 2021 માં પ્રથમ વખત નેનો લિક્વિડ DAP રજૂ કર્યું હતું, તેણે શુક્રવારે જ કહ્યું હતું કે,સરકારે તેના નેનો DAP ખાતરને બજારમાં લોન્ચ કરવાની મંજૂરી આપી છે.IFFCOના મેનેજિંગ ડિરેક્ટર યુએસ અવસ્થીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે IFFCO નેનો DAPને કૃષિ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને તેના પ્રોત્સાહક પરિણામોને ધ્યાનમાં રાખીને તેને ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર (FCO) માં સૂચિત કરવામાં આવ્યું છે.અવસ્થીએ કહ્યું હતું કે IFFCO નેનો DAPનું ઉત્પાદન કરશે જે ભારતીય કૃષિ અને અર્થતંત્રમાં ગેમ ચેન્જર હશે.
અવસ્થીએ ગયા ડિસેમ્બરમાં કહ્યું હતું કે,IFFCO 600 રૂપિયામાં નેનો DAPની અડધા લિટરની બોટલ લોન્ચ કરશે.નેનો ડીએપીની આ બોટલ ડીએપી ખાતરની એક થેલી જેટલી અસરકારક રહેશે, જેની કિંમત હાલમાં રૂ. 1,350 છે. IFFCOએ પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે જૂન 2021માં નેનો યુરિયા પણ બજારમાં લોન્ચ કર્યું હતું. IFFCO એ નેનો યુરિયાના ઉત્પાદન માટે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપ્યા છે.જોકે, નેનો યુરિયા પર સરકાર દ્વારા ખેડૂતોને કોઈ સબસિડી આપવામાં આવતી નથી. તેની કિંમત 240 રૂપિયા પ્રતિ બોટલ છે.