હવે ગુજરાતમાં જાહેર પરીક્ષાના પેપર ફોડનારની ખેર નથી, ગુજરાત જાહેર પરીક્ષા વિધેયકને રાજ્યપાલની મંજુરી
અમદાવાદઃ ગુજરાતમાં જાહેર પરીક્ષા વિધેયકને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજુરીની મહોર મારી છે. જેથી હવે જાહેર પરીક્ષાના પેપર ફુટવાના બનાવમાં આરોપીને દસ વર્ષની સજા થશે અને એક કરોડ સુધીનો દંડ થશે. હવે પેપર લીકના કેસમાં નવા કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી તલાટી અને એલઆરડી સહિતની પરીક્ષાના પેપર ફુટવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. તેમજ જવાબદારો સામે આકરી કાર્યવાહીની માંગણી ઉઠી હતી. બીજી તરફ સરકાર દ્વારા આ બનાવોમાં તપાસના આદેશ કર્યાં હતા. દરમિયાન આવા બનાવોને અટકાવવા માટે રાજ્ય સરકારે વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક- 2023 સર્વ સંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભવિષ્યમાં કોઈ પેપર ફોડવાની હિંમત કરશે તો 10 વર્ષની સજા અને એક કરોડનો દંડની જોગવાઈ કરવામાં આવી હતી.
આ વિધાયક રાજ્યપાલ સમક્ષ મોકલવામાં આવ્યું હતું. રાજ્યપાલ દ્વારા આ વિધાયકને મંજુરી આપવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મંજૂરી બાદ નવો કાયદો બન્યો છે અને સરકારી ગેઝેટ સાથે કાયદાની અમલવારી શરૂ થશે અને હવે યોજાનારી સરકારી ભરતી પરીક્ષાઓ માટે નવો કાયદો લાગુ પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયમાં સરકારી ભરતી પ્રક્રિયામાં પેપર લીકની ઘટનાઓ વધી હતી. જેના પગલે વિદ્યાર્થી નેતાઓ અને વિપક્ષે રાજ્ય સરકારને ઘેરવાના પ્રયાસો કર્યાં હતા. બીજી તરફ ઉમેદવારોમાં પણ રોષ ફેલાયો હતો. જેથી સરકાર દ્વારા ભરતી પ્રક્રિયામાં ગેરરીતીના બનાવો અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરાયો હતો.