જૂનાગઢઃ સોરઠ પંથકમાં ઉનાળના પ્રારંભે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન અને બરફના કરાં સાથે કમોસમી વરસાદ પડતા આંબાના બગીચામાં ખુબ મોટા પ્રમાણમાં ખાખડી ખરી જવાથી ખેડૂતોને નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. આંબાઓ પરથી નાની નાની કેરીઓ ખરી પડી છે. એટલે કેસર કેરીના ઉત્પાદન પર અસર પડી છે.
ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીના આંબાવાડિયુંને વાતાવરણની અસર જોવા મળી છે. જેમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો અચાનક પલટો આવતાં અને આજે સવારથી ભારે પવન ફુંકાતા નાની નાની કેરીઓ ખરી પડવાથી ખેડૂતોને નુકશાન થયું છે. આંબાઓ પર મોટા પ્રમાણમાં મોર બેઠ્યા બાદ કેરીનો ફાલ સારોએવો જોવા મળતો હતો. અને ખેડુતોને પણ સારૂએવું ઉત્પાદન થવાની આશા હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ કેસર કેરીના આંબાવાડીયુંને વાતવરણની અસર ખૂબ થતી હોય છે. તે અસર ના થાય તેના માટે હાલ બાગાયત ખેતી કરતા ખેડૂતનું માનવું છે કે, ઇઝરાઇલ પદ્ધતિ ખૂબ જરૂરી છે જેમાં આંબાનું વાવેતર ઘનિષ્ટ થતું હોઈ છે અને આંબાનું વાવેતર 5×5 અને 5×10 ફૂટ ના અંતરે વાવેતર કરવામાં આવે છે અને હાઇટ 6 થી 7 ફૂટ હોવાથી તેને વાવાઝોડાની સાથે ભારે પવનની અસરથી કેસર કેરીનાં આંબાના વૃક્ષને કોઇ અસર થતી નથી. જેનો સીધો ફાયદો ખેડૂતોને થાય છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જુનાગઢના માર્કિટ યાર્ડમાં તો કેસર કેરીના આવક પણ શરૂ થઈ ગઈ છે. અને 10 કિલો કેરીના બોક્સના 2000થી 2500 જેટલા ભાવ ઉપજી રહ્યા છે. જોકે કેટલાક ખેડુતોએ જ માવજત કરીને કેરીનો આગોતરો પાક લીઈ રહ્યા છે. આવા ખેડુતોને પણ માવઠાને કારણે નુકશાન થયું છે. માત્ર સોરઠ પંથક જ નહીં પણ ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ કેસર કેરીનું સારૂ ઉત્પાદન થાય છે ત્યાં પણ માવઠાને લીધે નુકશાન થયાના વાવડ મળ્યા છે.