અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગની માવઠાની આગાહીને કારણે જ ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા. દરમિયાન છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાતના અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ ખેડૂત આગેવાનોને મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને મદદ કરવા માટે સરકારની અપીલ કરી હતી. દરમિયાન આજે રાજ્યના કૃષિ મંત્રીએ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે, માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાનોની સર્વે કરવામાં આવશે.
રાજ્યમાં કમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોનો ઉભો પાકને નુકસાન થયુ છે. ઉપરાંત માર્કેટ યાર્ડમાં રહેલો પાક પણ પલળી જતા ખેડૂતોને બેવડો માર પડ્યો છે. રાજકોટ પંથકમાં માવઠાને કારણે પાક નષ્ટ થતાં અનેક ખેડૂતોને આર્થિક ફટકો લાગ્યો છે. કમોસમી વરસાદને કારણે ઘઉં, જીરું, ધાણા અને મરચાં સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે. આથી સર્વે કરી ખેડૂતોને તુરંત સહાય ચૂકવવાની માગ કરી છે. રાજ્યમાં હજુ એકાદ-બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું કે, રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરવા માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી માવઠાનો માર ખેડૂતો સહન કરી રહ્યા છે. જેમા તેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ નુકસાનીનો સર્વે કરાવવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે. હજુ બે દિવસ વરસાદ પડવાની આગાહી છે. આ આગાહી પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.