ગુજરાતમાં 1લી એપ્રિલથી સ્ક્રેપ પોલીસી, વાહનોના ફિટનેસ માટે ખાનગી કંપનીઓને અપાયા કોન્ટ્રાક્ટ
ગાંધીનગરઃ ગુજરાતમાં 1લી એપ્રિલથી જુના વાહનો માટે સ્ક્રેપ પોલીસી અમલમાં આવી રહી છે. જો જે વાહનોને ફિટનેસ સર્ટી નહીં મળે તેવા વાહનોને ફરજિયાત સ્ક્રેપમાં મોકલવા પડશે.જોકે હજુ સ્ક્રેપની પોલીસીનો અમલ શરૂ થયો નથી. અને વાહનોના ફિટનેસની કામગીરી અત્યાર સુધી આરટીઓ કચેરીમાં ચાલતી હતી. પરંતુ હવે વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં આરટીઓ ઇન્સ્પેકટરોનો રોલ નહીં રહે. એપ્રિલથી સરકારે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું કામ ખાનગી કંપનીને સોંપી દીધું છે. 3થી 4 કરોડનું રોકાણ કરનારી ખાનગી કંપનીને 10 વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો છે. કુલ 200થી વધુ ખાનગી કંપનીઓને આ માટેનો પરવાનો મળ્યો છે. ફિટનેસ સર્ટિફિકેટ નહીં હોય તો રોજનો રૂ.50 દંડ વસૂલાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે મહેસાણા, સુરત અમરેલી, વરસાડ, ભરૂચ, રાજકોટ અને મુન્દ્રા, નવસારી અને બારડોલી ખાતે ખાનગી ફિટનેસ સેન્ટરોને મંજૂરી આપી દીધી છે. અમદાવાદ, વડોદરા અને અન્ય શહેરોમાં ટૂંક સમયમાં મંજૂરી આપી દેવામાં આવશે. વાહનના ઓટોમેટિક ફિટનેસ મેનેજમેન્ટ સિસ્ટમમાં ફિટનેસ માટે કાર સહિત નાનાં વાહનોની રૂ. 400, મીડિયમ ગુડઝ પેસેન્જર વ્હિકલની રૂ. 600 અને હેવી વાહનોની રૂ. 1 હજાર ફી ઓનલાઈન ભરવાની રહેશે. ફિટનેસમાં આવનારા વાહનો પોલ્યુશનવાળા હશે તો ફિટનેસમાં પાસ નહીં થાય, વાહનમાલિકે રિપેરીંગ કરાવીને બીજીવાર ફિટનેસ માટે લાવવાનું રહેશે. બીજીવાર પણ પાસિંગ નહીં થાય તો આરટીઓમાં જઇને ફોર્મ ભરવું પડશે. આ પછી પણ ફિટનેસમાં પાસ ન થાય તો વાહન સ્ક્રેપમાં જશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારે 1લી એપ્રિલથી 15 વર્ષ કે તેથી જુના વાહનો જો ફિટનેસ નહીં ધરાવતા હોય તો સ્ક્રેપમાં ફરજિયાત મોકલવા માટે પોલિસી ઘડી છે. તેના અમલ માટે ગુજરાત મોખરે રહે તેવી શક્યતા છે. ગુજરાત સરકારે તેના 15 વર્ષ જુના વાહનોને સ્ક્રેપમાં મોકવાનો પણ નિર્ણય લઈ લીધો છે.