બનાસકાંઠામાં 14 તાલુકા પંચાયતોમાં ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થતાં હવે વહિવટદારનું શાસન
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાની 14 તાલુકા પંચાયતોની મુદત 11મી માર્ચના રોજ પૂર્ણ થતા તેમજ પંચાયતોની ચૂંટણીમાં વિલંબ થતા સરકાર દ્વારા તમામ તાલુકા પંચાયતોમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે અને સામાન્ય ચૂંટણી ની તારીખ જાહેર થાય ત્યા સુધી વહીવટદાર નીતિ વિષયક નિર્ણયો લઇ શકશે.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ 11 માર્ચ ના રોજ પૂર્ણ થતી હોવાથી ચૂંટણી યોજવાની હતી. જો કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કોઈ કારણસર હાલ પૂરતી ચૂંટણી યોજવાનું મોકૂફ રખાતા તેમજ પંચાયતોની મુદત પૂર્ણ થતા સરકાર દ્વારા વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જિલ્લાના નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની વહીવટદાર તરીકે નિમણૂક કરાઇ છે. અમીરગઢમાં જિલ્લા પુરવઠા અધિકારી ભાભર -વાવમાં Dy DDO વહીવટદાર તરીકે મુકાયા છે જ્યારે ડીસા, પાલનપુર, વડગામ, દાંતા, દાંતીવાડા, ધાનેરા, થરાદ, શિહોરી, દિયોદર, લાખણી, સુઈગામમાં પ્રાંત અધિકારીને વહીવટદારની જવાબદારી આપવામાં આવી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ડીસા તાલુકા પંચાયતના 38 સભ્યોમાંથી ભાજપ ના 26, કોંગ્રેસના 11 અને એક અપક્ષ ચુંટાયેલા હતા. કાંકરેજ 21 કોંગ્રેસ 8 ભાજપ 1 અપક્ષ, ધાનેરામાં 17 ભાજપ 8 કોંગ્રેસ અને 1 અપક્ષ, વાવ તાલુકા પંચાયતમાં 22 સદસ્યોમાં ભાજપના 16 અને કોંગ્રેસના 6સદસ્યો , સુઇગામ તાલુકામાં 16 પૈકી 9 ભાજપ અને 7 કોંગ્રેસના સદસ્યો હતા,પાલનપુરમાં 23 કોંગ્રેસ અને 11 ભાજપના હતા, દાંતમાં કોંગ્રેસ 14 ભાજપ 11 અને 1 બેઠક ખાલી હતી. વડગામમાં ભાજપ ના 15 જ્યારે કોંગ્રેસના 12 અને અપક્ષ 1 હતા. દાંતીવાડમાં આઠ કોંગ્રેસ, આઠ ભાજપ તેમજ બે અપક્ષ સદસ્યો ચૂંટાઈ આવ્યા હતા. ભાભર 18 પૈકી 13 ભાજપના છે અને પાંચ કોંગ્રેસના હતા. અમીરગઢ ના 20 પૈકી ભાજપની 11 કોંગ્રેસ 7 જ્યારે અન્ય -2 સીટો ખાલી હતી. લાખણી તાલુકા પંચાયત એક ટર્મ વહીવટદાર, બીજી ભાજપના કબજામાં લાખણી તાલુકા પંચાયતની 22 બેઠક પૈકી ભાજપે 11 અને કૉંગ્રેસે 11 બેઠકો મેળવી હતી. દિયોદરમાં પણ 11 ભાજપ અને 11 કોંગ્રેસની બેઠકો હતી. થરાદ તાલુકા પંચાયતમાં ભાજપે 20 જ્યારે કૉંગ્રેસને 8 જ્યારે અપક્ષને 2 બેઠક હતી. કાંકરેજમાં 21 કોંગ્રેસ આઠ ભાજપ અને એક અપક્ષના ફાળે બેઠક હતી.