રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ પડવાની આગાહીને પગલે તમામ માર્કેટ યાર્ડ્સને સાવચેત રહેવાની સુચના આપવામાં આવી છે. આથી રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેત ઉપજ વેચવા માટે આવતા ખેડુતોને માટે ટોકન પ્રથા દાખલ કરવામાં આવી છે. તેથી માલનો ભરાવો થાય નહીં તેની તકેદારી રાખવામાં આવી રહી છે. દૈનિક 100 ખેડૂતોને ટોકન આપવામાં આવી રહ્યા છે. જેમાં ઘઉં,ચણા અને ઘાણાના પાકની ટોકન મુજબ હરાજી કરવામાં આવી રહી છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે તારીખ 13,14 અને 15 માર્ચના રોજ સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી છે. જેથી ખેડૂતો માલ પલળે નહીં, તેનું નુકસાન ન થાય તે હેતુથી અમે યાર્ડના તમામ સત્તાધિશોએ એક મીટીંગ કરી હતી અને તેમાં એવું નક્કી કર્યું હતું કે યાર્ડમાં ખુલ્લી પડેલી ખેડૂતોની ઉપજને ટોકન પદ્ધતિથી ધ્યાને લેશું અને તેની હરાજી કરીશું. જેથી અમે ખેડૂતોને એક મેસેજ મોકલી દીધો હતો જે સર્વે ખેડૂતોએ જોઈ લીધો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું. માર્કેટ યાર્ડમાં ખેત ઉપજ વેચવા માટે આવતા ખેડૂતોને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાની સુચના આપી દીધી છે. જેમાં યાર્ડની એપ્લિકેશનમાં માત્ર ત્રણ કલાકની અંદર જ ઘઉંના 1955 ટોકન, ચણામાં 1745 ટોકન અને ધાણામાં 1846 જેટલા ટોકન રજીસ્ટર થયા હતા. જેથી સોમવારે રજીસ્ટ્રેશન અનુસાર વાહનો આવવા મંડ્યા અને સવારે 09:00 વાગ્યાથી તો હરાજી પણ ચાલુ કરી દીધી હતી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ એમ.એસ.પી. હેઠળ ખેડૂતો પાસેથી 31 માર્ચ સુધી કપાસની ખરીદી કરશે. કપાસના ખેડૂતોને મહત્તમ ભાવ મળે તે માટે ચાલુ વર્ષમાં 2022-2023માં કપાસ ઉગાડતા 11 રાજ્યમાં 400થી વધુ કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. વધુ વિગત વેબસાઈટ પરથી મળી રહેશે.