ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાલે મંગળવારથી પ્રારંભ, કેન્દ્રો પર બંદોબસ્ત ગોઠવાયો
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતા કાલ તા. 14મીને મંગળવારથી ધોરણ,10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં 16.49 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે પરીક્ષાર્થીઓ પોતાને ફાળવેલા કેન્દ્રો પર ક્યા વર્ગ ખંડમાં પરીક્ષા આપવાની છે તે જાણવા કેન્દ્રો પર ઉમટ્યા હતા. જો કે પરીક્ષાર્થીઓને પરીક્ષા ખંડની નજીક જવા દેવાયા નહતા. માત્ર ક્યા પરીક્ષાખંડમાં બેસવાનું છે. તે ખંડનો નંબર જાણી શકાયો હતો. તમામ પરીક્ષા કેન્દ્રો પર આજે સોમવારથી જ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો આવતીકાલે તા.14મી માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. રાજ્યના 16.49 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીની તબિયત બગડે તો મેડિકલ ટીમ તૈનાત રહેશે, પરીક્ષામાં ડિજિટલ ઘડિયાળ નહિ પહેરી શકાય, પેપર લખાઇ જાય તો પણ 3 કલાક બેસવું પડશે, પેપર ન ફૂટે તે માટે ફુલપ્રૂફ વ્યવસ્થા કરવામાં આવી છે. હોલ ટિકિટની ઝેરોક્સમાં પણ શાળા દ્વારા સહી-સિક્કા કરી પ્રમાણિત કરી અપાશે, હોલ ટિકિટના અભાવે વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત નહીં રહે, બીજે દિવસે પણ બતાવી શકશે.
રાજ્યના શિક્ષણવિદોએ બોર્ડના પરીક્ષાર્થીઓને શીખ આપતા કહ્યું હતું કે, પરીક્ષાના પહેલા દિવસે અડધાથી પોણો કલાક વહેલું આવવું હિતાવહ છે, બાકીના દિવસોમાં અડધો કલાક વહેલું આવવું જોઈએ જેથી ભાગદોડ ન થાય. ઉત્તરવહીઓ પર ડાબી બાજુ બેઠક નંબર આંકડા અને શબ્દોમાં લખવાનો હોય છે, પછી વિષય, તારીખ અને સહી કરવાની હોય છે જે સામાન્ય બાબત છે છતાં ખંડ નિરીક્ષક તમામ બાબતો સમજાવશે. ઉત્તરવહીમાં
કાળી પેન પ્રશ્ન લખવામાં કે લાઈનિંગ કરવામાં ઉપયોગ કરી શકાય, પરંતુ મોટાભાગે માત્ર બ્લૂ પેનનો જ વિદ્યાર્થી ઉપયોગ કરે તે વધુ હિતાવહ છે. પરીક્ષાર્થીઓએ પોતાનો મોબાઈલ ઘેર મૂકીને આવે અથવા વાલી મૂકવા આવે ત્યારે તેને આપી દે, સાથે રાખવાની કે સ્કૂલમાં મૂકવાની કોઈ સુવિધા નથી હોતી. પ્રશ્નપત્રમાં દરેક પ્રશ્ન બેવાર વાંચીને સમજ્યા બાદ તેનો જવાબ આપવો જોઈએ. (file photo)