ગુજરાત સરકારના બજેટના 1.24 લાખ કરોડ પગાર-પેન્શન, વ્યાજ અને દેવાની ચૂકવણીમાં ખર્ચાશે
ગાંધીનગરઃ રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-24નું બજેટ રજુ કર્યું જેનું કદ કુલ 3.01 લાખ કરોડનું છે. જેના 41.52 ટકા એટલે કે 1.24 લાખ કરોડ રૂપિયા પગાર, પેન્શન અને વ્યાજ તેમજ દેવાની પરત ચૂકવણીમાં ખર્ચ થશે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં બજેટમાં 40 ટકાનો વધારો થયો છે તેની સામે પગાર બિલમાં 27 ટકા, પેન્શન બિલમાં 24.65 ટકા, વ્યાજની ચૂકવણીમાં 13.62 ટકા અને દેવાની પરત ચૂકવણીમાં 7.65 ટકાનો વધારો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મુજબ રાજ્ય સરકારના કુલ ખર્ચ પૈકી ચાર સહુથી મોટા ખર્ચમાં સરકારી કર્મચારીઓનો પગાર, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન, પાછલા દેવા પર વ્યાજની ચૂકવણી અને દેવાની ચૂકવણી હોય છે. વર્ષ 2020-21માં ગુજરાત સરકારે કુલ 2.14 લાખ કરોડના બજેટમાંથી 1.05 લાખ કરોડ એટલે કે 48.91 ટકા ખર્ચ કર્યો હતો. વર્ષ 2022-23માં પગાર, પેન્શન, વ્યાજ અને દેવાની ચૂકવણી પાછળ 1.11 લાખ કરોડનું ખર્ચ સૂચવાયું છે જે કુલ બજેટમાં 43.45 ટકા જેટલું થાય છે. જ્યારે વર્ષ 2023-24માં રાજ્યના 4.90 લાખ કર્મચારીઓના પગાર બિલ માટે 45091 કરોડની જોગવાઇ કરી છે, જે કુલ બજેટના 14.98 ટકા છે. 5.13 લાખ નિવૃતોના પેન્શન પાછળ 24978 કરોડ એટલે કે 8.30 ટકા ખર્ચ થશે. 28620 કરોડ રૂપિયા વ્યાજની ચૂકવણી પાછળ અને દેવા મુદ્દલ ચૂકવવા માટે 26304 કરોડ રૂપિયાનું ખર્ચ થશે.
રાજ્યમાં સરકારી કચેરીઓ અને ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓમાં કર્મચારીઓની નિવૃત્તિમાં વધારો થઇ રહ્યો હોવાથી પેન્શનરોની સંખ્યા વધી રહી છે. બે વર્ષમાં 24,109 પેન્શનરો વધ્યા છે જેની સામે પેન્શન ખર્ચમાં 4940 કરોડનો વધારો થયો છે. વર્ષ 2021-22માં કુલ પેન્શનરોની સંખ્યા 4.89 લાખ હતી અને પેન્શનનો કુલ ખર્ચ 20 હજાર કરોડ હતું. વર્ષ 2023-24માં પેન્શનરોની સંખ્યા 5.13 લાખ અને પેન્શન ખર્ચ 25 હજાર કરોડ જેટલું રહેવાનો અંદાજ છે.