લૂણાવાડાના ડુંગર વિસ્તારમાં લાગેલી વિકરાળ આગ ભારે જહેમત બાદ વન કર્મચારીઓએ કાબુમાં લીધી
લૂણાવાડાઃ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક એવા લુણાવાડા શહેર નજીક કાલિકા માતા મંદિરની પાછળના ભાગે ડુંગર વનવિસ્તારમાં આગ ભભૂકી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અડધા ડુંગર સુધી આગ પહોંચી ગઈ હતી. ડુંગર વિસ્તારમાં આગ લાગ્યાની જાણ વન વિભાગને થતા તાત્કાલિક ફાયર ફાયટરોને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાયટરોએ દોડી જઈને વન વિભાગના કર્મચારીઓની મદદ મેળવીને આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે, સમગ્ર વિસ્તારમાં પ્રસરી ચુકી હતી. ત્યારે ભારે જહેમત બાદ હેવી બ્લોવર જેવા સાધનોથી આગને વધુ પ્રસરતી અટકાવી સંપૂર્ણ કાબુમાં લીધી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ લૂણાવાડા શહેર નજીક કાલિકા માતાજીના મંદિરની પાછળ આવેલા ડુંગર વિસ્તારમાં એકાએક આગ ફાટી નિકળી હતી. આગના ધૂંમાડા દુર સુધી જોઈ શકાતા હતા. આગ લાગ્યાની જાણ થતાં જ વન વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ દોડી ગયા હતા. અને ફાયર ફાયટરોને પણ જાણ કરી હતી. અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હોથ ધર્યા હતા. કલાકોની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી. આગને કારણે ઘાસ અને કેટલાક વૃક્ષો બળીને ખાક થઈ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે. કે, મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલા ગૂંથલી ગ્રામ પંચાયત વિસ્તારની નીલગીરીમાં પણ થોડા દિવસ અગાઉ ભારે આગ ભભૂકી હતી. તેથી સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ સ્થાનિક લોકો પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો હતો. ત્યારે ફરી એકવાર મહીસાગર જિલ્લામાં જંગલ વિસ્તારની અંદર આગ લાગવાની ઘટના બની હતી. જોકે વન વિભાગના કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરીથી ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.