H3N2 વાયરસે મચાવી તબાહી, વડોદરાની મહિલાનું હોસ્પિટલમાં મોત,દેશમાં સાતમું મોત
અમદાવાદ:H3N2 વાયરસ (ઈન્ફલ્યુએન્ઝા વાયરસ)એ કહેર વરસાવાનું શરૂ કરી દીધી છે. ગુજરાતના વડોદરામાં આ વાયરસથી સંક્રમિત એક મહિલાનું મોત થયું છે.મહિલા 58 વર્ષની હતી અને તેને વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.મહિલાના મૃત્યુ બાદ હવે દેશમાં H3N2 વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે.ગુજરાત પહેલા કર્ણાટક, પંજાબ અને હરિયાણામાં H3N2 વાયરસથી મૃત્યુની પુષ્ટિ થઈ છે.
જો કે, સૂત્રોનું કહેવું છે કે,પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે H3N2 થી મૃત્યુનું કારણ જાણવા માટે વધુ તપાસની જરૂર છે.અગાઉ, કર્ણાટકના હાસનમાં H3N2 વાયરસથી એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ હતી. મૃતક દર્દીની ઓળખ એચ ગૌડા તરીકે થઈ હતી.તેઓ 82 વર્ષના હતા. તેમને 24 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.1 માર્ચના રોજ તેમનું અવસાન થયું.આ પછી તેમના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.6 માર્ચે IA રિપોર્ટમાં H3N2 ની પુષ્ટિ થઈ હતી.
H3N2 ઈન્ફલ્યુએન્ઝા ફાટી નીકળતાં સમગ્ર દેશમાં ચિંતા વધી છે.ઈન્ફલ્યુએન્ઝાના કેસ એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે દેશ 3 વર્ષ બાદ કોરોના મહામારીમાંથી બહાર આવ્યો છે. બાળકો અને વૃદ્ધો વધુને વધુ વાયરસનો શિકાર બની રહ્યા છે.ડોકટરોના જણાવ્યા મુજબ, ઈન્ફલ્યુએન્ઝાના મોટાભાગના દર્દીઓમાં સમાન લક્ષણો હોય છે.જેમ કે ઉધરસ, ગળામાં ચેપ, શરીરમાં દુખાવો, નાકમાં પાણી આવવું.