મુંબઈઃ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, તેમના પીએ તથા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ.ધોની સહિતના મહાનુભાવોના નામનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપીંડી કરનારા મહાઠગ નાગરાજને પોલીસે ઝડપી લીધો હતો. તેણે એક-બે નહીં પરંતુ 30થી વધારે ગુનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસની તપાસમાં આગામી દિવસોમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, સાઈબર સેલે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ નાગરાજ બુદુમુરુ તરીકે થઈ છે. જે પૂર્વ રણજી ક્રિકેટર છે. નાગરાજે મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી અને તેમના પીએના નામે વિવધ કંપનીઓ સાથે લગભગ ત્રણેક કરોડની છેતરપીંડી આચરી હતી. તેની સામે 30 જેટલી ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીના બેંક ખાતામાંથી રૂ. 7.6 લાખ જપ્ત કર્યાં છે. આ મહાઠગ નાગરાજ મુખ્યમંત્રી જ નહીં પૂર્વ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની સહિતના મહાનુભાવોના નામે લોકોને શીશામાં ઉતારતો હતો. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર નાગારાજ બુદુમુરુ (ઉ.વ. 28) વિવિધ કંપનીઓ સામે પોતાને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીનો પરિચીત હોવાની ઓળખ આપીને ક્રિકેટર્સને સ્પોન્સર કરવા કહેતો હતો. આવી જ રીતે નાગરાજએ મુખ્યમંત્રી અને તેમના પીએના નામનો ઉલ્લેખ કરીને કરોડોની છેતરપીંડી આચરી હતી. તે વર્ષ 2014થી 2016 સુધી આંધ્રપ્રદેશની રણજી ટીમનો ખેલાડી હતો. તેમજ આઈપીએલમાં પણ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો હિસ્સો હતો. આ ઉપરાંત વર્ષ 2026થી 2018 સુધી ઈન્ડિયા બી ટીમનો ખેલાડી હતો. પોલીસે કહ્યું કે, જ્યારે તેનું ક્રિકેટ કેરિયર ડુબવા લાગ્યું તો તેણે હાઈફાઈ લાઈફ જીવવા માટે ઠગાઈનો રસ્તો અપનાવ્યો હતો.
આરોપીએ તાજેતરમાં જ મુંબઈ સ્થિત એક કંપનીનો સમર્ક કર્યો હતો અને પોતાની ઓળખ જગન મોહન રેડ્ડીના અંગત સચિવ નાગેશ્વર રેડ્ડી તરીકે આપી હતી. તેમજ એક ક્રિકેટર માટે સ્પોન્સરની ડિમાન્ડ કરી હતી. એટલું જ નહીં કેટલીક કંપનીના બોગલ ઈમેલ પણ મોકલ્યાં હતા. જેથી મહાઠગની વાતોમાં આવી ગયેલી કંપનીએ રૂ. સ્પોન્સરશિપ માટે રૂ. 12 લાખ આપ્યાં હતા. જો કે, ક્રિકેટ બોર્ડે કંપનીનો સંપર્ક નહીં કરતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ આરંભીને આરોપીને આંધ્રપ્રદેશના યાવારીપેટ્ટીમાંથી ઝડપી લીધો હતો. એમબીએ સુધીનો અભ્યાસ કરનારા આ મહાઠગે અગાઉ બીસીસીઆઈના પૂર્વ મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રદા, રાજનેતા કેટી રામારાવ અને પૂર્વ કેપ્ટન એમ.એસ.ધોનીના નામે પણ ઠગાઈના ગુનાને અંજામ આપ્યો હતો.