સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ નર્મદાના નીરથી ઓવરફ્લો થતાં પાણી ભોગાવો નદીમાં છોડાયું,
સુરેન્દ્રનગર: ઝાલાવાડમાં આકરા ઉનાળાના આગમન સાથે જ સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટો ગણાતો ધોળી ધજા ડેમ એ સૌરાષ્ટ્ર-કચ્છનું પાણીયારૂં ગણાય છે. કારણ કે સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી ધોળી ધજા ડેમને છલોછલ ભરીને ત્યાંથી અન્ય જળાશયોને ભરવા માટે પાણીનું વિતરણ કરાતું હોય છે. ઉનાળામાં પાણીની ઊભી થનારી માગને પહોંચી વળવા માટે હાલ નર્મદાના નીરથી ધોળી ધજા ડેમને છલોછલ ભરી દેવામાં આવ્યો છે. અને ભર ઉનાળે ડેમ ઓવરફ્લો થતાં પાણી ભોગાવો નદીમાં છોડવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લો એક તરફ પીવાના પાણી માટે વલખા મારી રહ્યો છે. તો બીજી તરફ જિલ્લાનો મુખ્ય ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. બોટાદ રાજકોટ જામનગર મોરબી ભાવનગર સુધી સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમમાંથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે ધોળીધજા ડેમ એક જ સપ્તાહમાં બીજી વખત નર્મદાના નીરથી ઓવરફ્લો થયો છે. અને હજારો લીટર પાણીનો વેડફાટ સર્જાયો છે. ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતા હજારો લીટર પાણી બિન ઉપયોગી રીતે ભોગાવો નદીમાં છોડી દેવામાં આવ્યું છે અને જેનો વેડફાટ થઈ રહ્યો છે. તંત્રની ઘોર બેદરકારીના પગલે ઉનાળાના પ્રારંભિક સમય ગાળામાં જ પાણીનો વેડફાટ થયો છે. ત્યારે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી ચોટીલા સાયલા ધાંગધ્રા પંથકમાં પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. 2 કિમિ દૂર સુધી પીવાનું પાણી ભરવા જવું પડે છે. અને ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી મળતું નથી.બીજી તરફ તંત્રની ઘોર બેદરકારીથી ધોળીધજા ડેમ વારંવાર છલકાઈ અને ઓવરફ્લો થાય છે અને હજારો લીટર પાણીનો વેડફાટ પણ સર્જાઈ છે. ત્યારે આ મામલે આયોજનમાં ખામી હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે. હાલ ડેમ ઓવરફ્લો થતા મુખ્ય 3 કોઝ-વે પણ પાણીમાં ગરકાવ બન્યા છે. આ કોઝ-વે પણ તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે.