સુરત : જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીપાકને થયેલા નુકશાનનો સુરત જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં કમોસમી વરસાદ સંદર્ભે આગોતરી જાણ હોવાથી સુરત જિલ્લાના તમામ વિભાગો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા હતા.
ઉમરપાડા તાલુકામાં જોરદાર પવન અને કરા સાથે વરસાદ પડ્યો હોવાની જાણ થતાં જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકની સૂચના મુજબ અગાઉથી રચાયેલી કૃષિ વિભાગની આઠ ટીમો દ્વારા પ્રાથમિક સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે અંદાજીત અસરગ્રસ્ત કુલ ૩૯૫ હેક્ટર વિસ્તાર પૈકી ૯૫ હેક્ટર વિસ્તારનો પ્રાથમિક સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ ખેડૂત આગેવાનોને મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને મદદ કરવા માટે સરકારની અપીલ કરી હતી. દરમિયાન રાજ્યના કૃષિ મંત્રીએ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે, માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાનોની સર્વે કરવામાં આવશે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી માવઠાનો માર ખેડૂતો સહન કરી રહ્યા છે. જેમા તેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ નુકસાનીનો સર્વે કરાવવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે.
સાબરકાંઠા જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ વાવાઝોડા સાથે માવઠું વરસતા ઘઉં, ચણા અને તમાકુના પાક બગડી ગયો હતો. ત્યારે ખેતી વિભાગ જણાવે છે કે, ‘જિલ્લાના 8 તાલુકાઓમાં 48 ટીમ દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. જેમાં એકપણ ખેડૂત સહાયપાત્ર ન હોવાનું બહાર આવ્યું છે. સરકારની ગાઇડલાઇન એવી છે કે, 33 ટકાથી વધુ નુકસાન હોય તો જ સરકારી સહાય ચૂકવી શકાય. પરંતુ કમોસમી વરસાદ અને વાવાઝોડાએ કહેર વરસાવ્યો ત્યારે ખેડૂતોમાં રોષ છે કે, ‘અહીં તો સરવે કરવા માટે કોઈ આવ્યું જ નથી. ઘઉં, તમાકુ કે ચણામાં નુકસાન થયું તો પણ સરવે કરવા આવ્યા નથી અને જણાવી રહ્યા છે કે નુકસાન જ નથી.