સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણમાં ખરાઘોડા, બજાણા સહિતના ઘૂડસર અભ્યારણ્યને આરક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે રણ વિસ્તારમાં પ્રવેશ માટે વન વિભાગની મંજુરી લેવી પડે છે. ઘણા લોકો પોતાના વાહનો સાથે રણ વિસ્તારમાં વગર મંજુરીએ ઘૂંસી જતા હોય છે. ત્યારે બજાણા રેન્જ ફોરેસ્ટ ટીમ દ્વારા રણમાં ગેરકાયદેસર રીતે ઘૂસતા 7 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં બજાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતના સ્ટાફ દ્વારા 3 ટેન્કર, 1 બલેનો ગાડી સહિત 7 વ્યક્તિઓને ખારાઘોડાથી આશરે 10 કિમીના અંતરેથી ઝડપી પાડ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના નાના રણનો 4954 ચો.કિ.મી.નો વિસ્તાર દુર્લભ ઘૂડખરના અભ્યારણ્ય માટે રક્ષિત કરવામાં આવ્યો છે. અને ઘૂડખર અભ્યારણ્યના રક્ષિત વિસ્તારમાં વનવિભાગની પરવાનગી વિના પ્રવેશ કરવો ગુનો બને છે. વનવિભાગ દ્વારા રણ જોવા આવતા સ્થાનિક પ્રવાસીઓ અને વિદેશી પર્યટકોને પાવતી આપીને રણમાં પ્રવેશ આપવામાં આવે છે. બજાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમને રણમાં રાઉન્ડ દરમિયાન બાતમી મળી હતી કે, ખારાઘોડા રણના વિસ્તારમાં ટેન્કર સહિત ગાડીઓ જઇ રહી છે. ત્યારે તપાસ કરતા તેમની પાસેથી ગેરકાયદેસર રણમાં ઘૂસતા હોવાનું જણાઇ આવ્યું હતુ. આથી બજાણા અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એસ.સારલા સહિતની ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા ત્રણ ટેન્કરો, એક બલેનો ગાડી સહિત સાત વ્યક્તિઓને ખારાઘોડાથી આશરે 10 કિમીના અંતરેથી ઝડપી પાડ્યા હતા. અને સાતેય શખ્સોને મુદામાલ સાથે બજાણા અભયારણ્ય વિભાગની કચેરીએ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બજાણા અભયારણ્ય વિભાગની કડક કાર્યવાહીથી રણમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા શખ્સોમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.