બનાસકાંઠાઃ દાંતીવાડા કેનાલ પાસેથી બિયારણનો જથ્થો મળ્યો
અમદાવાદઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં દાંતિવાડા કેનાલ પાસેથી મકાઈના બિયરણની એક-બે નહીં પરંતુ 20 જેટલી બોરીઓ મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બિયારણ સરકારી છે કે કેમ તે અંગે તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. બિયારણની બોરીઓ કેનાલમાં તણાઈને આવી હોવાનું મનાઈ રહ્યું છે. આ બિયારણ સબસીડી યુક્ત હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠામાં ડીસા-પાટણ હાઈવે પર દાંતીવાડા કેનાલ નજીક બિયારણની બોરીઓ મળી આવી હતી. આ અંગેની જાણ થતા સ્થાનિકો મોટી સંખ્યામાં દોડી આવ્યાં હતા. સ્થળ પરથી એક-બે નહીં પરંતુ 20 જેટલી બોરીયો બિયારણ ભરેલી મળી હતી. ખેડૂતોએ બિયારણની આ બોરીઓ કેનાલમાંથી બહાર કાઢી હતી. સબસીડી વાળા બિયારણની આ બોરીઓ કેનાલમાંથી મળી આવતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. કેનાલ પાસેથી 20 જેટલા કટ્ટા મળી આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે. આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોણે કેનાલમાં નાખ્યો સહિતના સવાલો ઉભા થયાં છે. આ ઘટનાને પગલે ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ખેડૂતોને ખાતર મળતુ નહીં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. જ્યારે ખાતરનો જથ્થો પુરતો હોવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં બિયારણના જથ્થાની અછતની અનેકવાર ફરિયાદો ઉઠી છે. દરમિયાન દાંતિવાડા કેનાલ પાસેથી મકાઈના બિયારણની 20 જેટલી બોરીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.