ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં માવઠાને કારણે ખેતીપાકને સારૂએવું નુકશાન થયું હતું. જેમાં ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુગળી ભરેલી 90 હજાર ગુંણ પલળી ગઈ હતી. કમોસમી વરસાદની આગાહી હોવા છતાં કહેવાય છે. કે. યાર્ડના સત્તાધિશોએ કોઈ આગોતરૂ આયોજન કર્યું નહતું. સોમવારે સાંજે માવઠું પડતા માર્કેટ યાર્ડમાં વેચાણ થયેલી અને બેલેન્સ પડેલી અંદાજે 90,000 ગુણી જેટલી ડુંગળી પલળી ગઈ હતી. જેથી આજે મંગળવારથી વરસાદી વાતાવરણને કારણે માર્કેટ યાર્ડમાં ડુંગળી લાવવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં માવઠાને કારણે ખેતીપાકને સારૂએવું નુકશાન થયું છે. જેમાં ભાવનગર યાર્ડમાં પણ 900 બોરી (ગુણી) ડુંગળીનો જથ્થો પાણીથી ભીંજાઈ ગયો હતો. માર્કેટ યાર્ડ દ્વારા વારંવાર વેપારીઓ અને ખેડૂતોને વરસાદી માહોલને કારણે ડુંગળી નહીં લાવવા અનુરોધ કરવામાં આવતો હોય છે. તેમ છતાં યાર્ડમાં ડુંગળીની હરાજી થતી રહે છે. સોમવારે પણ ભાવનગર માર્કેટ યાર્ડમાં અંદાજે 70 થી 80 હજાર ગુણી ડુંગળીની આવક થઈ હતી. જે પૈકી 40000 ગુણ જેટલી ડુંગળીનું વેચાણ થયું હતું. જ્યારે 50,000 ગુણ ડુંગળી વેચાયા વગરની પડી રહી હતી.
ભાવનગર શહેરમાં સોમવારે સાંજે આગાહીના પગલે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. જેથી વેચાણ થયેલી અને વેચાણ થયા વગરની તમામ ડુંગળીઓ પલળી ગઈ હતી. જેથી ખેડૂતો અને વેપારી બંનેને ભારે નુકસાન થયું હતું. માર્કેટ યાર્ડના આગામી 23મીને ગુરુવારના રોજ ચેટી ચાંદ નિમિત્તે શાકભાજી સિવાયની તમામ જણસીનું હરાજીનું કામકાજ તો બંધ જ છે. પરંતુ વરસાદી વાતાવરણને કારણે આજે મંગળવારથી જ્યાં સુધી બીજી સૂચના ન મળે ત્યાં સુધી ડુંગળીની આવક પર પ્રતિબંધ ફરમાવ્યો છે.