સુરતમાં 85 મીટર ઊંચા કુલિંગ ટાવરને માત્ર 7 સેકેન્ડમાં કંટ્રોલ એક્સપ્લોઝિવથી તોડી પડાયું
સુરતઃ શહેરના ઉતરાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કૂલિંગ ટાવરને આજે મંગળવારે ડિમોલિશન કરવામાં આવ્યો હતો. સવારે 11:00 વાગ્યા આસપાસ ઉત્રાણ પાવર સ્ટેશનના કૂલિંગ ટાવર બ્લાસ્ટથી તોડી પાડવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. ગણતરીની સેકન્ડમાં જ એકસાથે 72 પિલરમાં બ્લાસ્ટ કરાયા હતા. આ સમગ્ર ઘટનાના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના મકાનની છત ઉપર એકઠા થઈ ગયા હતા. આ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૂ થયો છે. વિદેશોમાં ઘણાં વર્ષોથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો. વિશેષ કરીને ઊંચી ઇમારતોને ગણતરીની સેકન્ડોમાં જ ધરાશાયી કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઈમારતના જે પિલર હોય છે એના ઉપર આ એક્સપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે એ સીધેસીધો નીચે બેસી જાય, એ પ્રકારની ટેક્નોલોજી હોય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના ઉતરાણ ખાતે આવેલા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ગેસ આધારિત પાવર સ્ટેશનના 85 મીટર ઊંચા કૂલિંગ ટાવરને આજે મંગળવારે કંટ્રોલ બ્લાસ્ટથી ધરાશાયી કરી દેવાયો હતો. 1993ની સાલમાં આર.સી.સીના બનેલા 85 મીટર ઊંચા અને 70 મીટર પહોળા કૂલિંગ ટાવરમાં 250 કિલો ડાયનામાઈટથી કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પ્લોઝન ટેક્નિકનો ઉપયોગ કરીને બ્લાસ્ટ કરાયો. આજે સવારે 11 વાગ્યે આ બ્લાસ્ટ કરાયો હતો. જે માત્ર 7 સેકન્ડમાં જ 85 મીટર ઊંચા ટાવર જમીનદોસ્ત કરાયો હતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સુરતાન ઉતરાણમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન દ્વારા 1993માં 85 મીટર ઊંચું કૂલિંગ ટાવર બનાવવામાં આવ્યું હતું. આ ટાવર 2017માં ઇકોટેક્નોમિકને કારણે ભંગાર જાહેર કરવામાં આવ્યું હતું.. ટાવરને સ્ક્રેપ જાહેર કરાતા તેનું ડિમોલિશન કરી દેવા નિર્ણય લેવાયો હતો.. ઉતરાણ પાવર હાઉસની આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી ટાવરને ડાયનામાઈટની મદદથી કંટ્રોલ બ્લાસ્ટ કરી ડીમોલિશન કરવા ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં 250 કિલો ડાયટનામાઈટની મદદથી 85 મીટર ઊંચા અને 70 મીટર પહોળા ટાવરને જમીનદોસ્ત કરવા માટે છેલ્લા 10 દિવસથી કામગીરી કરીને તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ હતી. આજે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ગેસ બેઝ પાવર સ્ટેશનના કુલિંગ ટાવરનું ડિમોલિશન હાથ ધરાયું હતું. ગણતરીની સેકન્ડોમાં જ આ ટાવર ધ્વસ્ત થઈ ગયો હતો.
ટાવરને ધ્વસ્ત કરવા માટે 200 કિલોથી વધુ એક્સપ્લોઝિવનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરતના 30 વર્ષ જુના કૂલિંગ ટાવરને તોડવા માટે પ્લાન બનાવવામાં આવ્યો હતો. એક્સપ્લોઝિવને ડ્રિલ કરીને કુલિંગ ટાવરના પાયાના ભાગમાં ભરવામાં આવ્યો હતો. એક્સપ્લોઝિવ ભર્યા બાદ પ્રથમ એના ઉપર મેટલની જાળી લગાવાઈ હતી. ત્યારબાદ કપડાંથી એને ઢાંકવામાં આવ્યો હતો. અને થોડે દૂર પતરા લગાવીને બેરીકેટિંગ કરવામાં આવ્યું હતું. આજુબાજુના લોકોને બ્લાસ્ટના સમયે બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી હતી. કુલિંગ ટાવરને તોડવાના સમયે 300 મીટરના વિસ્તારમાં કોઈને પણ ન જવા માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા. કર્મચારીઓ પણ ખડે પગે તૈયાર હતા, ત્યાર બાદ તોડી પાડવાની કામગીરી કરાઈ હતી.