રાજ્યમાં શ્રમજીવીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે 100થી વધારે ધનવંતરી રથ દોડતા કરાયાં
અમદાવાદઃ રાજ્યમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમજીવીઓનું શોષણ ન થાય તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં તેમના આરોગ્યને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શ્રમજીવીઓને ઘર આંગણે સારવાર મળી રહે તે માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ધનવંતરી રથ દરેક તાલુકે પહોંચાડવામાં આવી છે. રાજ્ય સરકારે 100 થી વધુ ધનવંતરી રથ વધારાના ફાળવ્યા છે.
ઔદ્યોગિક એકમોમાં કર્મચારી / વર્કરોના શોષણ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક એકમોમાં કાર્યરત કર્મચારી કે વર્કરોનું શોષણ ન થાય અને તેમના હિતો જળવાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યભરમાં આવા કોઈ પણ કિસ્સા ધ્યાને આવે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. તા. 31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં બોટાદ જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં એક પણ ફરિયાદ મળી નથી. તો બીજી તરફ નર્મદા જિલ્લામાં આવી એક ફરિયાદ મળી છે. ઈંટો ભઠ્ઠાની આ ફરિયાદના અનુસંધાને બંને પક્ષકારોને રૂબરૂ બોલાવી સમાધાન કરાવી સંસ્થાના બે શ્રમયોગીઓને સંસ્થા તરફથી 60 હજારનું સમજાવટથી ચુકવણું કરાવવામાં આવ્યું છે.
મંત્રીએ પૂરક પ્રશ્નના ઉત્તર આપતા વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા શ્રમયોગીઓના આરોગ્ય માટે સતત ચિંતા કરીને તેમને ઘર આંગણે કે તેમના કામકાજના સ્થળે જ જરૂરી નિદાન અને સારવાર મળી રહે તે માટે ધનવંતરી રથ તૈયાર કરાવ્યા છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આ ધનવંતરી રથ દરેક તાલુકે પહોંચાડવામાં આવી છે. રાજ્ય સરકારે 100 થી વધુ ધનવંતરી રથ વધારાના ફાળવ્યા છે. જેનો ઉપયોગ તાલુકા મથકે કડિયા નાકા સહિતના વિવિધ સ્થળોએ શ્રમયોગીઓ માટે કરવામાં આવશે.