બિહારમાં બે કુખ્યાત નક્સલવાદીઓને સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ઝડપી લીધા
પટણાઃ STF (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)ની વિશેષ ટીમને નક્સલ વિરોધી ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. STF એ જમુઈના કુખ્યાત નક્સલવાદી રતુ કોડાની અને લખીસરાયના વોન્ટેડ નક્સલવાદી ડોમન કોડાની ધરપકડ કરી છે. બંને નક્સલવાદીઓ સામે અડધો ડઝન ગંભીર કેસ નોંધાયેલા છે. નક્સલવાદીઓની ઘણી પ્રવૃત્તિઓમાં પણ તેમની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. બંને નક્સલવાદીઓના અન્ય સાથીદારોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર જમુઈના લક્ષ્મીપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચોકિયા ગામમાંથી દરોડામાં રતુ કોડાની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ડોમનને લખીસરાયના કજરા પોલીસ સ્ટેશન હેઠળના સિમરા તારી ખાતે દરોડામાં પકડવામાં આવ્યો હતો. બંને વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ અને અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. એસટીએફ આ બંનેને લાંબા સમયથી શોધી રહી હતી.
આ સિવાય STFએ બેગુસરાયના બાખરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દરોડા પાડીને વોન્ટેડ અપરાધી લલન સાહની ધરપકડ કરી હતી. દરભંગામાં ડગ્રુ શેઠની જ્વેલરીની દુકાનમાંથી 2020માં આશરે 11 કિલો સોનું અને 10 લાખ રૂપિયાથી વધુની કિંમતના હીરા સહિત 29 લાખ રૂપિયાની રોકડની લૂંટ કેસનો મુખ્ય આરોપી લાલન લાંબા સમયથી ફરાર હતો. દરમિયાન નવાદામાંથી અન્ય એક વોન્ટેડ સાધુ યાદવની ધરપકડ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે કેન્દ્ર સરકાર અને સુરક્ષા જન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. ભારતીય લશ્કર, એનઆઈએ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા દેશ વિરોધી તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.