14 એપ્રિલે નોર્થની પહેલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી શકે છે PM મોદી
દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુવાહાટી અને ન્યૂ જલપાઈગુડીને જોડતી ઉત્તરપૂર્વની પહેલી વંદે ભારત એક્સપ્રેસને 14 એપ્રિલે ફ્લેગ ઑફ કરે તેવી શક્યતા છે. એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે (NFR) એ પ્રદેશમાં વંદે ભારતની શરૂઆતને ચિહ્નિત કરવા માટે એક ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
એક અધિકારીએ કહ્યું, “હા, એ સાચું છે કે ટૂંક સમયમાં જ વંદે ભારત એક્સપ્રેસને ઉત્તરપૂર્વમાં ફ્લેગ ઓફ કરવામાં આવશે. અમે તેને વડાપ્રધાનની ગુવાહાટીની મુલાકાત દરમિયાન 14 એપ્રિલે લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.’ આસામ સરકાર આગામી રોંગાલી બિહુના પ્રસંગે એક મેગા ઈવેન્ટનું આયોજન કરશે જેમાં 11,140 નર્તકો અહીં 14 એપ્રિલે વડાપ્રધાન મોદીની સામે પરફોર્મ કરશે. તે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવે તેવી અપેક્ષા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી હતી. જે બાદ આ સુપરફાસ્ટ ટ્રેનનું કોમર્શિયલ સંચાલન 1 ઓક્ટોબરથી શરૂ થયું હતું. આ ટ્રેન મહારાષ્ટ્ર અને ગુજરાતની રાજધાની તેમજ બે મહત્વપૂર્ણ વેપાર કેન્દ્રોને જોડે છે.વંદે ભારત એક્સપ્રેસની પ્રથમ ટ્રેન નવી દિલ્હી અને વારાણસી વચ્ચે શરૂ કરવામાં આવી હતી અને બીજી ટ્રેન નવી દિલ્હીથી માતા વૈષ્ણો દેવી, કટરા વચ્ચે શરૂ કરવામાં આવી હતી.ત્યારે હવે PM મોદી 14 એપ્રિલે નોર્થની પહેલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી શકે છે.