સોરઠ પંથકમાં ઉનાળે અષાઢી માહોલ, જુનાગઢમાં સવારે કમોસમી વરસાદથી લોકો મુકાયા મુશ્કેલીમાં
જુનાગઢઃ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદના છૂટા- છવાયા ઝાપટાં પડી રહ્યા છે. જુનાગઢ શહેર અને તેની આસપા3સના વિસ્તારોમાં આજે સવારે માવઠું પડતા લોતો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. ક્યારેક તડકો તો ક્યારેક વાદળછાયું વાતાવરણ દિવસે ને દિવસે લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે.
સોરઠ પંથકમાં વરસાદના અણધાર્યા આગમનથી ખેડૂતોના શ્વાસ અધ્ધર થયા છે, ત્યારે પાકેલો મોલ (પાક) વેંચાય તે પહેલા જ વરસાદના કારણે બગડી ગયો છે. ધાણા, જીરું, કેરી, ઘઉં, અને ઉનાળુ પાકો નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ થયા છે. છેલ્લા પાંચ છ દિવસથી સમયાંતરે પડતા કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ નકશાન થઈ રહ્યું છે. જુનાગઢમાં શુક્રવારે સવારે કમોસમી વરસાદ પડતા સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. જેને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાતા ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. શહેરમાં અનેક વિસ્તારમાં છેલ્લા 5 મહિનાથી ગટરનુ કામ પૂર્ણ થવા છતા પણ રોડ ન બનતા સામાન્ય વરસાદમાં જ રસ્તા રક કાદવ-કીચડ જોવા મળી રહ્યો છે. શહેરના વોર્ડ નં. 6 માં એકતા નગર, શ્રીનાથજી પાર્ક વગેરે સોસાયટીમાં છેલ્લા 5 મહિનાથી ગટરનું કામ પૂરુ થઇ ગયું છે. વોર્ડના કોર્પોરેટરો દ્વારા ગટરનું કામ પુરુ થયા બાદ રોડ કરી આપવાનો વાયદો કરાયો હતો. પરંતુ હજુ સુધી કોઇપણ જાતની કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે સોસાયટીના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જો આવા સામાન્ય વરસાદમાં સોસાયટીમાં કાદવ-કીચડ થતાં હોય તો ભર ચોમાસે કેવી સ્થિતિ થતી હશે. આથી લોકોને થતી હેરાનગતીને ધ્યાને લઇ તંત્રએ ચોમાસા પહેલા જ રોડ કરી આપવા જોઇએ. તેવી માગ ઊઠી છે.