નવી દિલ્હીઃ દેશમાં આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણીને લઈને અટકળો ચાલી રહી છે. બીજી તરફ દેશના રાજકારણમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જોરદાર ફેરફાર જોવા મળી રહ્યો છે, પહેલા ભાજપ અને શિવસેના સિવાયની મોટાભાગની રાજકીય પાર્ટીઓ લઘુમતી મતદારોને વધારે મહત્વ આપતા હતા અને ચૂંટણીના સમયમાં લઘુમતી સમાજના વિવિધ ધાર્મિક સ્થળો ઉપર જઈને દુઆ પ્રાર્થના કરતા હતા. જો કે, હવે આ રાજકીય પક્ષો પણ લઘુમતી સમાજ કરતા વધારે હિન્દુઓને મહત્વ આપતા થયા હોય તેમ લાગી રહ્યું છે. રાજકીય પક્ષોના નેતાઓ વિવિધ હિન્દુ મંદિરોમાં જઈને ભગવાન સમક્ષ શીશ ઝુકાવીને પોતાની છબીને સુધારવામાં લાગી ગયા છે. એટલું જ નહીં મુસ્લિમ બહુમતી ધરાવતા જમ્મુ-કાશ્મીરના કટ્ટર મુસ્લિમ નેતાઓનો પણ હિન્દુત્વ તરફ ઝુકાવ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં લઘુમતી તૃષ્ટીકરણના આરોપનો સામનો કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રાજ્યના વિવિધ મંદિરમાં માથુ ટેકવતા જોવા મળ્યાં હતા. અગાઉ ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરિવાલ પણ હનુમાન ચાલીસાનું જાહેરમાં પઠન કરતા જોવા મળ્યાં હતા. આ ઉપરાંત વિપક્ષના અનેક નેતાઓ ચૂંટણીમાં મંદિરમાં દર્શન કરવા જતા જોવા મળ્યાં હતા. મુસ્લિમોના મસિહા મનાતા સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવએ અગાઉ ભગવાન શ્રીકૃષ્ણના મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં થોડા દિવસો ઉપર ચુસ્ત મુસ્લિમ મનાતા મહેબુબા મુફતી મહાદેવજીના મંદિરમાં શિવલીંગ ઉપર જળ અભિષેક કરતા કેમેરામાં કેદ થયાં હતા. એટલું જ નહીં ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ભગવાન શ્રી રામ માત્ર હિન્દુઓના જ નહીં પરંતુ મુસ્લિમ અને ખ્રિસ્તીઓના હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરને લઈને વિપક્ષના મોટાભાગના નેતાઓએ ખુશી વ્યક્ત કરી હતી. આમ હવે રાજકીય નેતાઓ પણ મતદારોને આકર્ષવા માટે પોતાના એજન્ડાને ભુલીને માત્ર હિન્દુત્વની વાત કરતા હોવાનું રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે.