1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ચૈત્રી નવરાત્રી અને રમઝાનને લીધે ફ્રુટના ભાવમાં 20થી 30 ટકાનો વધારો
અમદાવાદમાં ચૈત્રી નવરાત્રી અને રમઝાનને લીધે ફ્રુટના ભાવમાં 20થી 30 ટકાનો વધારો

અમદાવાદમાં ચૈત્રી નવરાત્રી અને રમઝાનને લીધે ફ્રુટના ભાવમાં 20થી 30 ટકાનો વધારો

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કૃષિ પાક અને બાગાયતી પાકને નુકસાન થયું છે અને આવક ઘટી છે. ત્યારે બીજી તરફ  ચૈત્રી નવરાત્રી અને રમઝાનના તહેવારને લીધે  ફળફળાદિની માગમાં વધારો થયો છે. માવઠાને લીધે  શાકભાજી અને ફ્રૂટના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આવકની સામે માગમાં વધારો થતાં ભાવમાં વધારો થયો છે. જેમાં ચૈત્રી નવરાત્રીમાં અનેક ભાવિકો ઉપવાસ કરતા હોય છે. અને ફરાળમાં ફ્રુટ લેતા હોય છે. તેમજ રમઝાનને લીધે અનેક બિરાદરો રોઝા રાખી રહ્યા છે. અના રાત્રે ફ્રુટ આરોગતા હોય છે. જેના લીધે ફ્રૂટની માગ વધતા ભાવમાં 20થી 30 ટકા જેટલો વધારો થયો છે. ફ્રુટમાં કેરીની આવકમાં 50 ટકા ઘટાડો થયો હતો. જ્યારે કેરી સહિત તરબૂચ, દ્રાક્ષ, ચીકુ, કેળાની આવક પર પણ કમોસમી વરસાદની અસર જોવા મળી છે.

ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરોની ફ્રુટ માર્કેટમાં ફળફળાદીની આવકમાં છેલ્લા એક સપ્તાહથી ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટના વેપારીએ જણાવ્યુ હતુ કે, ‘કમોસમી વરસાદ પડવાના કારણે કેરીની આવકમાં 50થી 60 ટકા ઘટાડો થયો છે. તરબૂચ. દ્રાક્ષ, ચીકું, કેળા, સહિત ફ્રુટની આવકમાં ઘટાડો થયો છે. બીજીબાજુ ચૈત્રી નવરાત્રી અને રમઝાનને લીધે માગ વધતા  ભાવમાં પણ 20થી 30 ટકાનો વધારો થયો છે. લોકો ફ્રૂટ લેવા આવે તો છે. પરંતુ કિલો ફ્રૂટ લેવા આવનારા અડધો કિલો લઈને જાય છે. હાલના ફ્રુટના ભાવ જોઈએ તો એક કિલો દ્રાક્ષના 80થી 100 રૂપિયા છે. જ્યારે મોસંબી 500થી 600ની બોરી છે. તેમજ તરબૂચના એક કિલોના ભાવ 15થી 20 રૂપિયા છે. તેમજ સફરજનના કિલોના ભાવ 150થી 180 રૂપિયા છે. તો ચીકુના ભાવ 50થી 60 રૂપિયા અને દાડમના કિલોના ભાવ 100થી 150 છે. જ્યારે બેંગ્લોરની હાફૂસ કેરી 400 રૂપિયા એક ડઝન છે. જ્યારે રત્નગિરી હાફૂસ એક ડઝનના 800 રૂપિયા છે અને કેસર કેરી 9 કિલો બોક્સના 1000થી 1500 રૂપિયા છે. આ ભાવમાં પણ વધઘટ રોજબરોજ થઈ રહી છે. માર્કેટમાં ફ્રુટની ખરીદી કરવા આવેલા એક ગ્રાહકના કહેવા મુજબ  ‘ફ્રૂટના ભાવમાં વધારો થયો છે. તહેવારો ચાલી રહ્યા છે. ચૈત્રી નવરાત્રીને લીધે ઉપવાસ કરી રહ્યા છીએ પણ ફ્રૂટના ભાવ સાંભળીને જ લેવાની ઈચ્છા થતી નથી.  કમોસમી વરસાદના કારણે ફ્રૂટના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.’ સફરજન, કેલિફોર્નિયા દ્રાક્ષ, ઓરેન્જ, કિવી સહિતના ફ્રૂટ ગુજરાત બહારથી આવી રહ્યા છે. તેને લીધે ભાવ ઊંચા હોય છે. ગુજરાતમાંથી આવતા ફ્રૂટ પર કમોસમી વરસાદનું ગ્રહણ લાગ્યું છે. તેથી આવક ઓછી થઈ છે અને ભાવ આસમાને પહોંચ્યા છે

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code