થરાદની માઈનોર કેનાલમાં પાણી ન છોડાતાં ખેડુતોએ ઢોલ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા સરહદી તાલુકા થરાદના ભોરોલ ડીસ્ટ્રીબ્યુટરીમાંથી નિકળતી માયનોરના કેનાલમાં છેલ્લા 25 દિવસથી પાણી ન છોડાતા ખેડૂતો પરેશાનીમાં મુકાયા છે. સિચાઈ વિના પાક સુકાય રહ્યો હોવાથી આ અંગે ખેડુતોએ અવાર-નવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઇ નક્કર પરિણામ ન મળતાં ખેડૂતોએ કેનાલની પાળ પર ઊભા રહીને ઢોલ વગાડી ‘રસિયો રૂપાળો રંગરેલીયો નહેરમાં પાણી આવતું નથી’ જેવા ગીતો ગાઇ તંત્રને જગાડવાનો પ્રયત્નો કર્યા હતો અને તેને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં ભોરોલની બ્રાન્ય કેનાલમાં છેલ્લા 25 દિવસથી પાણી છોડવામાં ન આપવા ખેડુતોનો પાક સુકાય રહ્યો છે. આ અંગે ખેડુતોએ સત્તાધિશોને અવાર-નવાર રજુઆતો કરવા છતાં બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી. ઘણી જગ્યાએ બ્રાન્ચ કેનાલ માટી અને ઝાડી-ઝાંખરાથી પુરાય ગઈ છે. એટલે પાણી પણ આગળ વધતું નથી. કેટલાક ખેડુતોએ સ્વ મહેનત કરીને કેનાલમાં કચરો દુર કર્યો હતો. દરમિયાન સિંચાઈના અધિકારીઓએ કેનાલમાં કેટાક કલાક પાણી છોડવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ બ્રાન્ચ કેનાલ કોરી કટ્ટ જોવા મળી રહી છે.
આ અંગે સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે,થરાદની ભોરોલની માઇનોર કેનાલમાં છેલ્લા 25 દિવસમાં પાણી આવતું નથી. 25 દિવસમાં કેટલાક કલાક જો પાણી છોડવામાં આવ્યું હોય તો કેનાલ કોરી કટ્ટ કેમ જોવા મળી રહી છે. એટલે તંત્રને ઉજાગરા કરવા નવા નુસખા અપનાવવા પડે છે. જેથી નહેરના અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે, ભોરોલ ની બ્રાન્ચ કેનાલમાં સત્વરે પાણી છોડવામાં આવે, જેથી ખેડુતોને ઉજાગરા ન કરવા પડે, અને પાકને બચાવી શકાય.