રાજ્યની જેલોમાં સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત કરનાશે, 5જી ટેકનોલોજી આધારિત જામર લગાવાશે
અમદાવાદઃ રાજ્યની વિવિધ જેલોમાં કરવામાં આવેલા મેગા સર્ચમાં કેટલીક જગ્યાએ મોબાઈલ ફોન સહિતની વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. જેલમાં કેદીઓની સુરક્ષાને લઈને આગામી દિવસોમાં વિવિધ જેલમાં તપાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં જેલોમાં નવા 5G ટેક્નોલોજીના જામર લગાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેલોની સુરક્ષાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, જેલોમાં નવા 5G ટેક્નોલોજીના જામર લગાવવામાં આવશે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જેલોમાં 16 હજારથી વધુ કેદીઓની સુરક્ષા જળવાઈ રહે તે જરૂરી છે. કેદીઓના ચહેરા પર ડર જોઈ શકાય છે. આગામી દિવસોમાં જેલમાં દરોડા પાડવામાં આવશે.
રાજ્યની જેલોમાં પાડવામાં આવેલા દરોડા મામલે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 17 જેલમાં 1700 પોલીસકર્મીઓએ તપાસ કરી હતી. જેલમાં લાઈવ તપાસ કરવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન 16 મોબાઈલ મળી આવ્યા છે. સાથે જ 10 ઈલેક્ટ્રિક વસ્તુ, 39 ઘાતક સામાન, 3 માદક પદાર્થ મળ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની વિવિધ જેલોમાંથી અવાર-નવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે. તેમજ જેલમાં કોઈ પણ પ્રતિબંધિત વસ્તુઓ ના પહોંચે તે માટે જેલ ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં ચોરી, લૂંટ સહિતના ગંભીર કેસના આરોપીઓ સજા ભોગવી રહ્યાં છે. તેમજ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ પણ જેલવાસ ભોગવી રહ્યાં છે. અગાઉ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ જ સુરંગ ખોદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.