અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં કરોડોના ખર્ચે બનાવેલો હાટકેશ્વર બ્રિજ માત્ર 5 વર્ષમાં જ જર્જરિત બની જતાં મ્યુનિ.ના અધિકારીઓ સામે જ આક્ષેપો થઈ રહ્યા છે. હાટકેશ્વર બ્રિજ બનાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર કરાયાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયો છે. બ્રીજના લેબ પરિક્ષણમાં પણ વિપરિત અહેવાલો મળ્યા છે. ત્યારે હાટકેશ્વર બ્રિજ મામલે મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં બ્રિજ એક્સપર્ટ, સ્ટ્રેનધન એક્સપર્ટ અને એક રૂડકીના અધિકારી એમ કુલ ત્રણ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અધિકારીઓ દ્વારા સમગ્ર બ્રિજ મામલે તપાસ કરી અને આગામી 15 એપ્રિલ સુધીમાં રિપોર્ટ આપવામાં આવશે. બ્રિજના તમામ પ્રકારના ટેસ્ટ અને રિપોર્ટોના આધારે કોન્ટ્રાક્ટર કંપની પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને કોર્પોરેશનના જે પણ જવાબદાર અધિકારી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાટકેશ્વર બ્રિજ મામલે વધુમાં વધુ હવે 15 એપ્રિલ સુધીમાં નિર્ણય લઈ લેવામાં આવશે.
શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, મ્યુનિ. કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા હાટકેશ્વર બ્રિજ મામલે અમે એક કમિટીની રચના કરી છે. જેમાં રૂડકીના અધિકારી બ્રિજના એક્સપર્ટ સહિત ત્રણ અધિકારીઓ હશે. અત્યારે બ્રિજના પિલર અને પિયર વગેરેના ચાલી રહ્યા છે જેનો ચારથી પાંચ દિવસમાં રિપોર્ટ આવશે. હાટકેશ્વર બ્રિજનો રુડકીનો રિપોર્ટ આવી ગયો છે. બ્રિજમાં ક્વોલિટી બાબતે જ પ્રશ્ન સામે આવ્યો છે. અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે, તેના દ્વારા રિપોર્ટ આપવામાં આવશે કે હાટકેશ્વર બ્રિજમાં જ્યાં સ્પાનમાં પ્રોબ્લેમ છે તેને તોડવો, કેટલો ભાગ તોડવો આખો બ્રિજ તોડી નાખવો કે પછી બ્રિજના અન્ય ભાગોમાં કેવી રીતે મરામતની કામગીરી કરવી વગેરે બાબતોની રિપોર્ટોના આધારે ચકાસણી કરી અને ટૂંક જ સમયમાં બ્રિજ મામલે નિર્ણય લેવાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાટકેશ્વર બ્રિજ મામલે ખૂબ જ મજબૂત કેસ બનાવવાશે. જેનાથી આગામી સમયમાં આવી રીતે ક્યાંય પણ બેદરકારી ન રહી જાય બ્રિજ મામલે બનાવેલી કમિટી દ્વારા જે રિપોર્ટ આપવામાં આવશે તેના આધારે નિર્ણય કરાશે કે કોન્ટ્રાક્ટર કંપની પાસેથી પૈસાની રિકવરી કરવી કે રીતે સમગ્ર બાબતે નિર્ણય લેવો. પરંતુ આ કેસમાં એક વખત રિપોર્ટ આવ્યા બાદ જ કોન્ટ્રાક્ટર કંપની, પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કંપની અને કોર્પોરેશનના જે તે જવાબદાર અધિકારીઓ હશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તમામ પ્રકારના રિપોર્ટો અને ફાઈલ તૈયાર જ છે. માત્ર કમિટીના રિપોર્ટના આધારે આગામી 15 એપ્રિલ સુધીમાં નિર્ણય લેવાશે.