આંધ્રપ્રદેશના મંદિરમાં રામનવમી પર્વની ઉજવણી દરમિયાન પંડાલમાં લાગી ભિષણ આગ
બેંગ્લોરઃ આંધ્રપ્રદેશના પશ્ચિમી ગોદાવરી જિલ્લામાં સ્થિત વેણુગોપાલ સ્વામી મંદિરમાં રામનવમી મહોત્સવ દરમિયાન વિશાળ પંડાલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યાં હતા. શોર્ટ સરકીટના કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળે છે.
પ્રાથમિક માહિતી અનુસાર વેણુગોપાલ સ્વામી મંદિરમાં રામ નવમી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને પગલે વિશાળ પંડાલ બનાવવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા. આ દરમિયાન અચાનક શોર્ટસરકીટના કારણે આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ બનાવની જાણ થતા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યાં હતા. ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. બીજી તરફ આગને પગલે પંડાલમાં રહેલા શ્રદ્ધાળુઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યાં હતા. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આ બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનો પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભોપાલમાં એક મંદિરમાં રામનવમી મહોત્સવની ઉજવણી દરમિયાન દૂર્ઘટના સર્જાઈ હતી. જો કે, સદનસીબે આ બનાવમાં પણ કોઈ જાનહાની થઈ ન હતી.