ચિલીમાં પ્રથમવાર માનવમાં બર્ડ ફ્લૂનો કેસ આવ્યો સામે
- 53 વર્ષની વ્યક્તિમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ
- દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની તપાસ કરાઈ
- સરકાર બર્ડ ફ્લૂના સ્ત્રોતની તપાસ આરંભી
નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ભારતમાં કોરોનાની સાથે ઈન્ફલ્યુએન્ઝાના કેસ પણ સામે આવી રહ્યાં છે. દરમિયાન ચિલીમાં પ્રથમવાર એક વ્યક્તિ બર્ડ ફ્લૂ સંક્રમિત હોવાની ઘટના સામે આવી છે. ચીલીમાં માનવમાં બર્ડ ફ્લૂનો કેસ સામે આવતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. તેમજ સંક્રમણને વધારે ફેલતુ અટકાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.
ચિલીમાં માનવમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ નોંધાયો છે. જેના પગલે આખા દેશમાં ભયનો માહોલ છે. ચિલીના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, દેશમાં બુધવારે પ્રથમ વખત કોઈ વ્યક્તિ બર્ડ ફ્લૂથી સંક્રમિત જોવા મળ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીંના 53 વર્ષના એક વ્યક્તિમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. વ્યક્તિમાં ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો જોવા મળ્યા છે. પરંતુ દર્દીની હાલત સ્થિર છે. ચિલી સરકાર બર્ડ ફ્લૂના સ્ત્રોત તેમજ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની તપાસ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ઝડપથી વધી રહ્યાં છે. બીજી તરફ ઈન્ફલ્યુએન્ઝાના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે રાજ્ય સરકારોને સતર્ક રહેવા સુચના આપી છે, તેમજ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ અને રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવવા માટે સુચના આપી છે.