અમદાવાદઃ સ્વનિર્ભર શાળાઓમાં ફી નક્કી કરવા માટે ફી નિર્ધારણ કમિટીઓ ( ફી રેગ્યુલેટશન કમિટી) ની રચના કરી છે. જેમાં અમદાવાદ ઝોનના ફી રેગ્યુલેશન કમિટીના ચેરમેનની દોઢ વર્ષથી નિમણૂક થઈ નથી. આ નિમણૂક ન થઇ હોવાથી 2022 અને 2023ના વર્ષની વાર્ષિક ફી મંજૂર થઈ નથી, જેથી સ્કૂલો વધુ ફી લેતા હોવાનો વાલી મંડળનો આક્ષેપ કર્યો છે. વાલી મંડળે એવી રજુઆત કરી છે. કે, અમદાવાદ ઝોનના ચેરમેનની નિમણૂક સત્વરે કરવામાં આવે અને કમિટીમાં વાલી મંડળને સ્થાન આપવું જોઈએ,
અમદાવાદ ઝોનમાં ફી નિર્ધારણ કમિટી (એફઆરસી)ના ચેરમેનની છેલ્લા દોઢ વર્ષથી જગ્યા ખાલી હોવાથી શાળાઓની ફી નક્કી કરવાનો નિર્ણય લઈ શકાતો નથી. બીજી બાજુ કેટલીક ખાનગી શાળાઓએ પોતાની રીતે જ ફીમાં વધારો કરી દીધો છે. આ અંગે ઓલ ગુજરાત વાલી મંડળે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને એવી રજુઆત કરી હતી.કે, અમદાવાદ ઝોનમાં FRCમાં છેલ્લા દોઢ વર્ષથી ચેરમેનની નિમણૂક થઈ નથી. વર્ષ 2022 અને 2023 બંને વર્ષની ફી મંજૂર થઈ નથી, જેના કારણે ગુજરાતની સ્કૂલો જૂના વર્ષ પ્રમાણે તથા અમુક 25 ટકા ઉમેરીને ફી વાલીઓ પાસે ઉઘરાવે છે. FRCની કમિટી નવી બનાવીને બે વર્ષની ફી તમામ સ્કૂલોની મંજૂર કરી અને વાલીઓને ન્યાય આપવો જોઈએ.
મુખ્ય મંત્રીને લખેલા પત્રમાં વાલી મંડળે વધુમાં એવી રજુઆત કરી હતી. કે, અમદાવાદ FRC ઝોનની ઓફીસ અગાઉ અમદાવાદ ખાતે હતી, જે ગાંધીનગર સ્થિત લઈ જવામાં આવી છે. હજારો વાલીઓની ફરિયાદ હોય તો ગાંધીનગર સુધી જવું પડે છે. જેથી અમદાવાદ ખાતે ઓફિસનું સ્થળાંતર કરવું જોઈએ. અમદાવાદ વાલીમંડળની એક ઓફિસ અમદાવાદ ડિસ્ટ્રીક એજ્યુકેશન ઓફિસ ખાતે ફાળવવામાં આવે જેથી વાલીઓને કોઈ પણ ફરિયાદ કરવી હોય તો વાલી મંડળને તથા DEOને કરી શકે.