ગાંધીનગર:ભારતનાં જી-20 પ્રમુખપદ હેઠળ દ્વિતિય એનર્જી ટ્રાન્ઝિશન્સ વર્કિંગ ગ્રૂપ (ઇટીડબલ્યુજી)ની બેઠકનો આજે ગાંધીનગરમાં પ્રારંભ થયો હતો. કેન્દ્રીય આયુષ તથા મહિલા તથા બાળ વિકાસ રાજ્યમંત્રી ડો.મુંજપરા મહેન્દ્રભાઈ કાળુભાઈએ તેમનાં પ્રાસંગિક પ્રવચનમાં ગ્લોબલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જ અને ઊર્જા સુરક્ષા માટે તોળાતા અને તાકીદના ઉપાયો શોધવાની ભારતની જી-૨૦ પ્રમુખપદની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. મંત્રીશ્રીએ સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા અને તેને ખર્ચ-અસરકારક અને વિશ્વસનીય બનાવવા માટે નવીન ટેક્નૉલોજીનાં સંશોધન અને વિકાસની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.
આ બેઠકમાં જી20 સભ્ય દેશો, વિશેષ આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (આઇઇએ), એશિયા અને પેસિફિક માટે સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક કમિશન (યુએનઇએસકેએપી), યુરોપિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર આસિયાન એન્ડ ઇસ્ટ એશિયા (ઇઆરઆઇએ), ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) અને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (આઇએસએ) સહિતનાં આંતરરાષ્ટ્રીય સંગઠનોના 100થી વધારે પ્રતિનિધિઓ આ બેઠકમાં અગ્રતા ક્ષેત્રો પર ચર્ચા વિચારણા કરવા માટે સામેલ થયા છે.
ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલાં ‘લાઇફ અભિયાન’ અથવા ‘પર્યાવરણ માટે જીવનશૈલી અભિયાન’નાં મહત્વ વિશે જણાવ્યું હતું. તેમણે વ્યક્તિઓ અને સમુદાયોને સંસાધનોના કાળજીપૂર્વક અને ઇરાદાપૂર્વકના ઉપયોગ, પર્યાવરણનું સંરક્ષણ અને જતન કરવા માટે તેને આંતરરાષ્ટ્રીય જન આંદોલન તરીકે ચલાવવા અને બનાવવા વિનંતી કરી.
ભારત સરકારનાં ઊર્જા મંત્રાલયના સચિવ આલોક કુમારે જી20ના સભ્યો વચ્ચે સમાન, સહિયારી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા સંયુક્ત કામગીરીને ઓળખવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સભ્ય દેશોને સ્વચ્છ ઊર્જા સંક્રાંતિ હાંસલ કરવા માટે સહયોગ કરવા અને ટ્રસ્ટીશિપની ભાવના ઊભી કરવા વિનંતી કરી હતી. તેમણે ભારત સરકાર દ્વારા પરિકલ્પિત મુખ્ય યોજનાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં ગ્રીન હાઇડ્રોજન મિશન, એનર્જી ટ્રાન્ઝિશન, એનર્જી સ્ટોરેજ પ્રોજેક્ટ્સ, રિન્યુએબલ એનર્જી ઇવેક્યુએશન, ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ, પીએમ-પ્રણામ, ગોબરધન યોજના, ભારતીય પ્રાકૃતિક ખેતી બાયો-ઇનપુટ રિસોર્સ સેન્ટર્સ, મિષ્ટિ-એમઆઇએસટીઆઇ, અમૃત ધરોહર, કોસ્ટલ શિપિંગ અને વીઈકલ રિપ્લેસમેન્ટ સામેલ છે.
આ બેઠકમાં છ પ્રાથમિકતા ધરાવતાં ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં ટેક્નૉલોજીની ખામીઓ દૂર કરીને ઊર્જા સંક્રાંતિ, ઊર્જા પરિવર્તન માટે ઓછા ખર્ચે ધિરાણ, ઊર્જા સુરક્ષા અને વૈવિધ્યસભર પુરવઠા શૃંખલાઓ, ઊર્જા દક્ષતા, ઔદ્યોગિક ઓછા કાર્બન પરિવર્તનો અને જવાબદાર વપરાશ, ભવિષ્ય માટે ઇંધણ અને સ્વચ્છ ઊર્જા અને યોગ્ય, વાજબી અને સર્વસમાવેશક ઊર્જા સંક્રાંતિ માર્ગોની સાર્વત્રિક સુલભતા સામેલ છે. આ બેઠકની સાથેના કાર્યક્રમ તરીકે ગ્લોબલ ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ – સક્ષમ નેટ ઝીરો માર્ગો પર એક સેમિનાર યોજાયો હતો. ઇટીડબલ્યુજીની બીજી બેઠકના ભાગરૂપે પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની મુલાકાત પણ લીધી હતી.
ભારતની અધ્યક્ષતામાં સ્વચ્છ ઊર્જા પરિવર્તનમાં વૈશ્વિક સહયોગને આગળ વધારવા અને તેને સ્થાયી આર્થિક વિકાસના એજન્ડામાં કેન્દ્રસ્થાને રાખવા માટે ઇટીડબલ્યુજીની ચાર બેઠકો, વિવિધ સહ કાર્યક્રમો અને એક મંત્રીસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.