અમદાવાદ: દેશ અને રાજ્યમાં દિન-પ્રતિદિન મોંઘવારી વધતી જાય છે. મરી-મસાલાના ભાવમાં વધારો થયા બાદ ફરીવાર દૂધના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. એની કળ હજુ વળી નથી ત્યાં ઘઉંના ભાવમાં પણ વધારો થયો છે. કહેવાય છે. કે, કમોસમી વરસાદને કારણે ઘઉંના તૈયાર પાકને નુકશાન થતાં ભાવમાં વધારો થયો છે. આમ મોંધવારીએ લોકોની હાલત કફોડી બનાવી દીધી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ભર ઉનાળે થઇ રહેલા માવઠાનો માર મોંધવારી પર પણ જોવા મળી રહ્યો છે. માવઠાને લીધે પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. એક પછી એક માવઠાથી કેરી અને ઘઉં ઉપરાંત રવિ પાકને નુકસાન થયું છે. જેની અસર રવિ પાકના ભાવ પર જોવા મળી રહી છે. ખાસ કરીને ઘઉંના ભાવમાં 40 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં ઘઉંની સિઝનને પગલે ખરીદી કરાતી હોય છે. ખાસ કરીને તેની અસર બારે માસની ખરીદી પર પણ પડી રહી છે. આ સિઝન દરમિયાન ગૃહિણીઓ બારે માસ માટે ઘઉંની ખરીદી કરતી હોય છે. આવા સમયે ઘઉંના ઊંચા ભાવની અસર ખરીદી પર પણ જોવા મળી રહી છે. ઘઉંની વિવિધ ક્વોલિટીના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂપિયા 900 સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. ઘઉંની માંગ અને ભાવ બન્નેમાં ઉછાળો જોવા મળી રહ્યો છે
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મોંઘવારીના અસહ્ય માર વચ્ચે સામાન્ય જનતા પિસાઈ રહી છે. શાકભાજી, દૂધ, મસાલા અને ઈંધણના ભડકે બળતા ભાવ વચ્ચે સામાન્ય જનતાએ પોતાનાં બજેટ પર કાપ મૂકવાની ફરજ પડી છે. લોકો મોંઘવારીથી રાહત ઈચ્છે છે. પણ થઈ રહ્યું છે તેનાથી ઉલટું. ગરીબ અને મધ્યમવર્ગની આવક વધે કે ન વધે, પણ મોંઘવારી વધવાનું નક્કી છે. જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. હજુ તો જનતા મોંઘવારીના એક માર સામે માંડ ટેવાય ત્યાં બીજી વસ્તુના ભાવ વધી જાય છે. ઉનાળાની શરૂઆત થતા ગૃહિણીઓ આખા વર્ષ માટે મસાલા અને અનાજ ભરતી હોય છે, ત્યારે હાલ ઘઉંના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. ગૃહિણીઓએ આ વખતે ઘઉંની એકસામટી ખરીદી પર ફરજિયાતપણે કાપ મૂકવો પડે તેમ છે. કેમ કે ઘઉંના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ઘઉંમાં આ ભાવ વધારાનું કારણ માવઠુ અને યુક્રેન રશિયાના યુદ્ધની અસર હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. હાલ ઘઉં ભરવાની સીઝન ચાલી રહી છે. ગુજરાતની ગૃહિણીઓ ઘઉં ખરીદવા વેપારીઓ પાસે ભાવતાલ કરાવી રહી છે. પરંતુ તેમને આ વર્ષે વધુ રૂપિયા ચૂકવવા પડશે. ઘઉંના ભાવમાં લગભગ 40 ટકાનો વધારો થયો છે. ઉપરાંત માવઠાને પગલે ઘઉંની ગુણવત્તા પર પણ અસર પડી છે. માવઠાને કારણે ઘઉંની ગુણવત્તા પણ નબળી છે. ગુજરાતભરના અનાજ બજારોમાં સારી ક્વોલિટીની ઘઉંની આવક નહિવત રહી છે. તેથી બારમાસી ઘઉં ભરનારા પર તેની અસર જોવા મળી રહી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, લાલ મરચું અને જીરાના ભાવમાં ગયા વર્ષ કરતા 50 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે પિસેલું મરચું 300થી 400 રૂપિયા કિલોના ભાવે મળતું હતું. જે આ વર્ષે 500થી 550 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. કાશ્મીરી મરચું 550 રૂપિયાની જગ્યાએ 700 રૂપિયામાં અને રેશમપટ્ટો મરચું 400ની જગ્યાએ 550 રૂપિયામાં વેચાય છે. જીરાના ભાવ 200 રૂપિયા કિલોથી વધીને 400થી 450 રૂપિયા કિલોએ પહોંચી ગયા છે. માવઠાંને કારણે શાકભાજીના ભાવ આસમાને છે, ત્યાં કઠોળના ભાવ પણ વધ્યા છે. કઠોળ અને દાળના ભાવમાં કિલો દીઠ 15થી 20 રૂપિયાનો ભાવ વધારો થયો છે. જેના કારણે મધ્યમવર્ગની ખરીદી ઘટી છે.( file photo)