રાજકોટઃ ગુજરાતમાં પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં જેતપુર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવેલી કાર પોલીસ ચેકપોસ્ટની કેબીનમાં ધૂંસી જતાં ફરજમાં રહેલા એક જીઆરડી જવાનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક જીઆરડી જવાનને ગંભીર ઈજાઓ થઈ હતી.
.સૂત્રોના જણાવ્યા મુજબ જેતપુર તાલુકાની હદ જ્યાં પૂર્ણ થાય છે અને જૂનાગઢ જિલ્લાની હદ શરૂ થાય છે. ત્યાં જેતપુર અને જૂનાગઢ બંને પોલીસની સામસામે ચેકપોસ્ટ આવેલી છે. જેમાં જુનાગઢ જિલ્લાની ચોકી ચેક પોસ્ટ પર ગત રાત્રીના સમયે જીઆરડી જવાન કાનાભાઈ ડાયાભાઇ દેગડા અને જયેશ હરિભાઈ ચૌહાણ બંનેની નાઈટ ડ્યુટી હતી. બંને જીઆરડી જવાનો રાત્રિના દસેક વાગ્યે ચેકપોસ્ટ પર પહોંચીને જીઆરડીના નિયમ મુજબ જીઆરડી ગ્રુપમાં ફરજ પર હાજર હોવાના પુરાવા રૂપે મોબાઇલમાંથી સ્થળ પોતાનો ફોટો પાડી ગ્રુપમાં અપલોડ કરતા હતા. આ નિયમ મુજબ બંને જવાનોએ સાથે સેલ્ફી ખેંચી અને અપલોડ કરી તે સેલ્ફી કાનાભાઈની છેલ્લી સેલ્ફી બની ગઈ હતી. મોબાઈલમાંથી સેલ્ફી લીધાની થોડી જ વારમાં જેતપુર તરફથી પુરપાટ ઝડપે આવેલી જીજે-18 બીએચ 7 નંબરની એક આઈ ટ્વેન્ટી કાર બેરીકેટ તોડીને ચેકપોસ્ટ તોડી અંદર ઘુસી ગઈ હતી. અને બંને જવાનો ચેકપોસ્ટની અંદર બેન્ચ પર બેઠા હતા ત્યાંથી તેઓને હડફેટે લેતા આખી ચેકપોસ્ટ લોહીલુહાણ થઈ ગઈ હતી. જેમાં કાનાભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું જ્યારે જયેશભાઇને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જીઆરડી જવાનોને ચેકપોસ્ટ પર કારે હડફેટે લીધાની જાણકારી મળતા જ પોલીસનો કાફલો અકસ્માત સ્થળે પહોચી ગયો હતો. અને અકસ્માતની તપાસ હાથ ધરી હતી. તેમજ અકસ્માત સર્જી નાશી ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી. આ બનાવના પગલે પંથકમાં શોક છવાયો છે.