ફોર્બ્સ વર્લ્ડ બિલિયોનર લિસ્ટ-2023 જાહેર,મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા
મુંબઈ : મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે જેની કુલ સંપત્તિ $83.4 બિલિયન છે. તે વિશ્વના અમીરોમાં 9મા સ્થાને છે. તે જ સમયે, ગૌતમ અદાણી $ 47.2 બિલિયનની સંપત્તિ સાથે અમીરોની વૈશ્વિક યાદીમાં 24માં સ્થાને આવી ગયા છે.
ફોર્બ્સની મંગળવારે જાહેર 2023ની અબજોપતિઓની યાદી અનુસાર, અદાણી 24 જાન્યુઆરી, 2023ના રોજ $126 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા. અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના આરોપોને પગલે તેમની સંપત્તિમાં તીવ્ર ઘટાડો થયો હતો.
જો કે, તેઓ મુકેશ અંબાણી પછી બીજા નંબરના સૌથી અમીર ભારતીય છે. આ વખતે ખાસ વાત એ છે કે આ વખતે રેકોર્ડ 169 ભારતીય અરબપતિઓ અમીરોની આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. 2022માં આ સંખ્યા 166 હતી. જો કે સંખ્યા વધવા છતાં આ અમીરોની સંપત્તિ 10 ટકા ઘટીને 675 અબજ ડોલર થઈ ગઈ છે. 2022 માં, તેમની સંપત્તિ $ 750 બિલિયન હતી.
ફોર્બ્સ અનુસાર, મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ગયા વર્ષે $100 બિલિયનની આવકને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની બની હતી. તેમનો બિઝનેસ ઓઈલ, ટેલિકોમથી લઈને રિટેલ સુધી ફેલાયેલો છે.
ફોર્બ્સની વર્લ્ડ બિલિયોનેરની યાદી અનુસાર, વિશ્વના 25 સૌથી ધનિક લોકોની નેટવર્થમાં એક વર્ષમાં 200 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. 2022 માં, તેમની કુલ સંપત્તિ $ 2,300 બિલિયન (2.3 લાખ કરોડ ડોલર) હતી, જે હવે ઘટીને $ 2,100 બિલિયન ( 2.1 લાખ કરોડ ડોલર) થઈ ગઈ છે.
એમેઝોનના માલિક જેફ બેઝોસની સંપત્તિમાં સૌથી વધુ 57 અબજ ડોલરનો ઘટાડો થયો છે.એલન મસ્કની સંપત્તિમાં એક વર્ષમાં 39 અબજ ડોલરનો ઘટાડો થયો છે.