સાળંગપુર ધામમાં 54 ફૂટ ઊંચી હનુમાન દાદાની પ્રતિમાનું અનાવરણ થયું,અહીં જાણો પ્રતિમાની ખાસિયત વિશે
અમદાવાદ : આજે હનુમાન જયંતિ છે.હજારો ભક્તો હનુમાનજીના દર્શન માટે હનુમાનજીના મંદિરે જશે.ત્યારે ગુજરાતમાં આવેલા હનુમાનજીના પ્રખ્યાત મંદિર એવા સાળંગપુરમાં પણ ભક્તોની જોરદાર ભીડ જોવા મળી શકે છે. દેશ-વિદેશના કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમા સાળંગપુર હનુમાનજી હવે ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામથી ઓળખાશે.ત્યારે ગૃહ પ્રધાન અમિત શાહ આ હનુમાન જયંતિના દિવસે સાળંગપુર દાદાના દર્શને આવશે. ગઈકાલે 54 ફૂટની પંચધાતુની વિશાળકાય હનુમાનજી દાદાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમાનું અનાવરણ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું.તે સાથે જ હનુમાન દાદાનો જયઘોષ કરવામાં આવ્યો હતો.
જો વાત કરવામાં આવે આ પ્રતિમાની ખાસિયત વિશે તો આ પ્રતિમા પંચધાતુની બની છે અને હરિયાણાના ગુરૂગ્રામમાં આ મૂર્તિ આકાર પામ્યા બાદ અહીં લાવી પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે. આ મૂર્તિનો વજન 30 હજાર કિલોથી પણ વધારે છે. કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આ મૂર્તિ આકાર લેશે. જેમાં તેમના હાથની લંબાઈ 6.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે. જ્યારે તેમના પગની લંબાઈ 8.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે. મહાબલીનું મુખારવિંદ જ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. જ્યારે કે તેમનો મુગટ 7 ફૂટ ઊંચાઈ અને 7.5 ફૂટ પહોળાઈ ધરાવે છે. તો પ્રભુની ગદા 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી છે.
આ ઉપરાંત હનુમાનજીએ ગળામાં ધારણ કરેલાં આભૂષણ 24 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા છે. તેમના હાથના કડા 1.5 ફૂટ ઊંચાઈ અને 2.5 ફૂટ પહોળાઈ ધરાવે છે.જ્યારે તેમના પગનાં કડાની ઊંચાઈ 1.5 ફૂટ અને પહોળાઈ 3.5 ફૂટ છે. પંચધાતુમાંથી નિર્મિત આ પ્રતિમા 30 હજાર કિલો વજન ધરાવે છે અને તેને મકારાણા માર્બલમાંથી નિર્મિત 18 ફૂટ ઊંચા બેઝ પર સ્થાપિત કરવામાં આવી છે. જેની આસપાસ હનુમાન ચરિત્રની કલાકૃતિઓને અંકિત કરવામાં આવી છે. સંપૂર્ણ સાળંગપુર ધામ 9.17 લાખ સ્કવેર ફૂટ વિસ્તારમાં પથરાયેલું છે.
આ મૂર્તિ 7 કિલોમીટર દૂરથી પણ દેખાશે. દાદાની મૂર્તિ સામે ગાર્ડન બનાવવામાં આવી રહ્યું છે. એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોની મજા માણી શકશે. આમ,દાદાની મૂર્તિ સાળંગપુરની શાનમાં વધારો કરશે.
સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ હનુમાનજી દાદાની 54 ફૂટની મૂર્તિ પાસે પૂજા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.