રાજકોટઃ રાજ્યમાં ફરી એકવાર ત્રણ દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.આજથી ત્રણ દિવસ એટલે કે, 5, 6 અને 7 એપ્રિલના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદી વાતાવરણ રહેશે. ત્યારે સૌરાષ્ટ્રમાં તો ગોંડલ, જસદણ અને વીરપુરમાં તે મંગળવારે બપોર બાદ કરાં સાથે માવઠું પડ્યું હતું.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠાંની મોસમ ફરી ખીલી છે. મંગળવારે બપોર બાદ ગોંડલ, જસદણ, વીરપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો તેમજ ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડતાં માર્ગો પર પાણી ઉપી વળ્યા હતા. ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં કરાં સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ગોંડલ શહેર તેમજ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરમાં બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ શરૂ થયો હતો. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ગોંડલ પંથકમાં પાટિયાળી, હડમતાળા, કોલીથડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ જસદણ અને યાત્રાધામ વીરપુરમાં પણ સાંજના સુમારે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને રસ્તા ઉપર પાણી વહેતા થયાં હતા, કમોસમી વરસાદથી અસહ્ય બફારામાં લોકોને રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
કમોસમી વરસાદના કારણે ગોંડલ માર્કેટયાર્ડમાં પાણી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ખેડૂતોએ મહામહેનતે પકવેલાં ઘઉં, ચણા, ધાણા, લસણ, ડુંગળી, મરચા સહિતના પાકો પાણીમાં તણાઈ ગયા હતા. ખેડૂતની આખા વર્ષની મહેનત પર આ માવઠાંએ પાણી ફેરવી દીધું હતું. કમોસમી વરસાદની આગાહી હોવા છતાં યાર્ડના સત્તાધિશોએ કોઈ આગોતરૂ આયોજન કર્યું નહતું.
રાજ્યમાં ફરીવાર ત્રણ દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 5, 6 અને 7 એપ્રિલના રોજ રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદી વાતાવરણ રહેશે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણના ઉપર અને મધ્ય લેવલે ટ્રફ સર્જાતા વાતાવરણમાં પલટો આવ્યો છે.