અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ પાસે કામગીરીનો ડે ટુ ડે રિપોર્ટ માંગવામાં આવી રહ્યો છે. મ્યુનિ.કમિશનર એમ. થેન્નારાસન સ્વચ્છતાના આગ્રહી છે. ત્યારે શહેરમાં સફાઈથી લઈને વિવિધ કામગીરીના નિરિક્ષણ માટે તમામ અધિકારીઓને રાત્રી રાઉન્ડ લઈને સવારે રિપોર્ટ કરવાનો આદેશ કરાયો છે. કમિશ્નરના આ આદેશથી મ્યુનિ.ના આળસુ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ થેન્નરાસનના એક આદેશથી મ્યુનિ.ના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સતત સ્વચ્છતાના આગ્રહી અને ઝીણવટભરી કામની સમીક્ષા કરનારા કમિશનરે વધુ એક આકરો આદેશ એએમસીના કર્મચારીઓ અને વિભાગના એચઓડી તેમજ ડાયરેક્ટરો માટે કર્યો છે. તમામ ઉચ્ચ અધિકારીઓ જેઓ એએમસીના મસમોટા પગાર મેળવી રહ્યા છે. તેવા તમામ ઉચ્ચ અધિકારીઓએ રાત્રી રાઉન્ડ લેવાનો રહેશે. તેમજ કમિશનર દ્વારા જાહેર કરાયેલો એક ચાર્ટ પણ ફરી એએમસીને સવારે આપવાનો રહેશે. જેમા ક્યા વિસ્તારની મુલાકાત લીધી, કઈ કામગીરીનું નિરિક્ષણ કર્યું, વગેરેનો સમાવેશ કરાયો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મ્યુનિ. કમિશનર એમ થેન્નરાસને મ્યુનિના અધિકારીઓને એવી સુચના આપી છે. કે, નગરજનોને રોડ, ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઇટ, આરોગ્ય વિષયક, પરિવહન, શિક્ષણ, અગ્નિશમન જેવી સેવાઓ મ્યુનિ.દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ સેવાઓ વધુ સુદ્રઢ બને અને શહેરીજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે તેનું સમયાંતરે ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોનિટરીંગ થાય તે જરૂરી છે. જે માટે વિભાગના ડાયરેક્ટર, એચઓડી, અને આસિ કમિશનર કક્ષાના અધિકારીઓ અને તેમની ટીમના સભ્યો સાથે તમામ ઝોનમા રાત્રે 10 વાગ્યાથી શહેરનો રાત્રી રાઉન્ડ લેવાનો રહેશે. વિઝિટ લેવાના સ્થળની વિગતો મ્યુનિસિપલ હોસ્પિટલો, મ્યુનિસિપલ હસ્તકના પ્લોટસ, બગીચાઓ, બ્રીજ નીચેની જગ્યાઓ, રેનબસેરા, શેલ્ટર હોમ, વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન / વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડ્રેનેજ પંમ્પીંગ સ્ટેશન, મ્યુનિસિપલ હોસ્પિટલો, મ્યુનિસિપલ હસ્તકના પ્લોટસ, બગીચાઓ, બ્રીજ નીચેની જગ્યાઓ, રેનબસેરા, કાંકરીયા, રીવરફ્રન્ટ જેવા જાહેર સ્થળો, પરિવહન સેવાઓ, શહેરના જાહેર માર્ગોની વિઝિટ કરીને રિપોર્ટ આપવાનો રહેશે.